આરટીઓમાં એપોઈન્ટમેન્ટના નામે લેભાગુ એજન્ટોનો ‘કાળો’ કારોબાર

એપોઈન્ટમેન્ટમાં બે માસ બાદ તારીખ મળી હોય તો પણ તમે કચેરીએ જાઓ ત્યારે થશે તમામ કામગીરી : નવા લાયસન્સ સિવાય તમામ એપોઈન્ટમેન્ટ પ્રથા થઈ છે રદ્દ

ભુજ : આરટીઓ કચેરીમાં કરોડો રૂપિયાના કૌભાંડ થતાં હોવાના આક્ષેપો થતા રહે છે પરંતુ અમુક લેભાગુ એજન્ટો પણ અરજદારો સાથે છેતરપિંડી કરતાં હોવાનું જાણવા મળ્યું છે. આરટીઓના સુત્રો પાસેથી જાણવા મળેલી વિગતો નવા લાયસન્સ માટે જ એપોઈન્ટમેન્ટ લેવી ફરજિયાત બાકી એપોઈન્ટમેન્ટ એક પ્રોસેસ છે અને તે મુજબ અરજદારને એપોઈન્ટમેન્ટ લેવાની હોય છે પરંતુ સોફટવેરમાં જો એકાદ માસ કે બે માસ બાદ તમને તારીખ મળી હોય પરંતુ જો તમે આરટીઓ કચેરીમાં જાઓ ત્યારે તમને તે જ દિવસે કામ કરી આપવામાં આવે છે. જો તમને એકાદ માસ બાદની એપોઈન્ટમેન્ટ મળી હોય અને કોઈ લેભાગું એજન્ટને પકડી લો તો આ લેભાગુ એજન્ટ તમને છેતરે છે કઈ રીતે.. જાણો બે માસ બાદ તમને એપોઈન્ટમેન્ટ મળી છે અને તમને તાત્કાલિક કામ કરાવવું છે, ત્યારે એજન્ટ તમારી પાસે રૂપિયાની માંગણી કરશે અને કહેશે કે આટલા રૂપિયા સાહેબને આપવા પડશે.. તેવું કહીને તમારી પાસેથી રૂપિયા ખંખેરી લેવામાં આવે છે.
જો કે લેભાગુ એજન્ટો સાહેબના નામે રૂપિયા ખંખેરીને અરજદારનું કામ બે – ત્રણ દિવસમાં કરી આપે છે, અગાઉ ભુજની આરટીઓ કચેરીમાં ડુપ્લીકેટ લાયસન્સ કે લાયસન્સમાં સુધારા- વધારા કરવા, રિન્યુ કરાવવા માટે એપોઈન્ટમેન્ટ લેવી પડતી હતી, જેના કારણે અરજદારોને એક – બે માસ સુધીની રાહ જોવી પડતી હતી. આ બાબતે આરટીઓ અધિકારી દિલીપસિંહ યાદવે જણાવ્યું હતુ કે, હવે નવા લર્નિંગ લાયસન્સ બનાવવા માટે જ એપોઈન્ટમેન્ટ લેવી પડે છે, બાકી કોઈ પણ કામગીરી માટે જરૂર રહેતી નથી. એપોઈન્ટમેન્ટની એક પ્રોસેસ કરીને તમે ગમે ત્યારે આરટીઓ કચેરીએ તમારી કામગીરી માટે આવી શકો છો અને તે જ દિવસે તમારી લાયસન્સ કે અન્ય કોઈ કામ કરી આપવામાં આવે છે.