આમરવાંઢ-તુતરા વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં મહિલાનું મોત : પાંચ ઘવાયા

લક્ઝરીએ કાર સાથે ભટકાવતા સર્જાઈ કરૂણાંતિકા : ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા : પોલીસે શરૂ કરી છાનભીન

નલિયા : અબડાસા તાલુકાના નલિયા – માંડવી હાઈવે ઉપર આવેલ આમરવાંઢ અને તુતરા પાટિયા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. લક્ઝરી – કાર વચ્ચે એક્સિડન્ટ થતા મહિલાનું સ્થળ પર મોત થયું હતું. જ્યારે અન્ય પાંચ વ્યક્તિઓ ગંભીર રીતે ઘવાઈ હતી.
પ્રાપ્ત વિગતો મુજબ ગોજારો અકસ્માતનો બનાવ ગઈકાલે બપોરના બે વાગ્યે બનવા પામ્યો હતો. બાપુનગર અમદાવાદ રહેતો ક્ષત્રિય પરિવાર અબડાસા તાલુકાના વરાડિયા ગામે લગ્ન પ્રસંગે આવ્યો હતો અને લગ્ન પતાવી પરત જતા હતા ત્યારે કરૂણાંતિકા સર્જાઈ હતી. દિગ્વિજયસિંહ હરિસિંહ જાલા (ઉ.વ.પ૦) (રહે. ઓસ્લો સર્કલ પાસે, ગાંધીધામ)ની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવ્યું હતું કે, તેઓ તથા મયુરસિંહ રાધુભા પરમાર, જયરાજસિંહ રાણા, હિનાબા રાણા, મોનિકાબા પરમાર, મનહરબા પરમાર, વંદનાબા શક્તિસિંહ ઝાલા (રહે. બધા બાપુનગર, અમદાવાદ) વરાડિયા ગામે લગ્ન પતાવી પરત જતા હતા ત્યારે લક્ઝરી નંબર જી.જે.૦૩ એ.ડબલ્યુ. ૯૯૦રના ચાલકે કાર નંબર જી.જે.૦૧ એચ.કે. ૧૭૧ર સાથે એક્સિડન્ટ કરતા કારમાં બેઠેલ વંદનાબા ઝાલા (ઉ.વ.૪૦)ને ગંભીર પ્રકારની ઈજાઓ થતા ઘટના સ્થળે મોત થયું હતું. જ્યારે કારમાં સવાર પાંચ વ્યક્તિઓને ગંભીર પ્રકારની ઈજાઓ થતા માંડવીની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. અકસ્માત કરી લક્ઝરી મૂકી નાસી છૂટેલા ચાલક સામે કોઠારા પોલીસે ગુનો નોંધી પીએસઆઈ શ્રી નાઈએ તપાસ હાથ ધરી હતી.