માનસિક રીતે અસ્વસ્થ પુત્રએ તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને પિતાનું ઢાળ્યું હતું ઢીમ : ભચાઉ પોલીસે ગણતરીના કલાકોમાં ઘટનાનો ઉકેલ્યો ભેદ

ભચાઉ : તાલુકાના આમરડી ગામે સીમ વિસ્તારમાં આવેલી વાડીમાં કલયુગી કપૂતે તેના પિતાને તિક્ષ્ણ હથિયારોના ઘા ઝિંકી મોતને ઘાટ ઉતાર્યો હતો. માનસિક રીતે અસ્થિર યુવાને તેના સગા બાપની હત્યા નિપજાવ્યાના બનાવમાં ભચાઉ પોલીસે ગણતરીના કલાકોમાં ઘટનાનો ભેદ ઉકેલી આરોપી પુત્રને ઝડપી પાડ્યો હતો.પોલીસે આપેલી સત્તાવાર વિગતો મુજબ આમરડી ગામે રહેતા ૬૦ વર્ષિય રતાભાઈ ઉર્ફે ભીખાભાઈ માવાભાઈ ગોઠી (પટેલ)ની હત્યા તેના પુત્ર પ્રકાશે જ કરી હતી. ઘટનાની વિગતો મુજબ પુત્ર માનસિક બિમાર હોવાથી મોટા ભાગે તેને પરિવારજનો આમરડીમાં આવેલી વાડી પર જ રાખતા હતા.આરોપી તેના પિતાને વાડી કામમાં મદદ પર કરતો હતો. હતભાગી આધેડ આરોપીને વાડી પર જમવાનું આપવા ગયા હતા અને રાત્રે તેઓ પણ વાડી પર જ સૂઈ ગયા હતા. પિતા સૂઈ ગયા બાદ આરોપીએ તિક્ષ્ણ હથિયારો વડે તેમના પ્રહાર કરીને મોતને ઘાટ ઉતાર્યા હતા. સવારે હતભાગીની બે પુત્રીઓ વાડી પર આવતા બનાવ પ્રકાશમાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસને જાણ કરાતા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. ઘટનાને અંજામ આપી આરોપી પ્રકાશ રતાભાઈ ગોઠી નાસી છૂટ્યો હતો ત્યારે પોલીસે સમગ્ર મામલે ઝીણવભટરી તપાસ આદરીને આરોપીની ધરપકડ કરી હતી.