આપણી ભાષા અને આપણી સંસ્કૃતિ જાળવી રાખીએ : વાસણભાઈ આહીર

અંજાર : અંજાર ટાઉનહોલ ખાતે ટવીંકલ સ્ટાર પૂર્વ પ્રા.શાળાના દ્વિતીય વાર્ષિકોત્સવને ખુલ્લો મૂકતાં રાજયમંત્રી વાસણભાઇ આહિરે અંગ્રેજી આંતરરાષ્ટ્રીય ભાષા છે, શિરોમાન્ય પણ આપણી માતૃભાષા,  આપણી રાષ્ટ્રભાષા અને આપણી
સંસ્કૃતિની જાળવણી પણ એટલી જ મહત્વની છે તે યાદ રાખવા ભાવભીનો અનુરોધ કર્યો હતો. તેમણે એકદમ વાજબી ફીમાં ટવીંકલ સ્ટાર જે અભ્યાસ સુવિધા પુરી પાડે છે તેની સરાહના કરતાં ગુરૂજનોને બાળ માનસમાં માતૃ દેવો ભવઃ પિતૃ દેવો ભવઃ, ગુરૂ દેવો ભવઃ રાષ્ટ્ર દેવો ભવઃ અંકિત કરવા પર ભાર મૂકયો હતો.
આ પ્રસંગે ખાસ ઉપસ્થિત અંજાર સચ્ચિદાનંદ મંદિરના મહંતશ્રી ત્રિકમદાસજી મહારાજે આર્શિવચનમાં પ્રવર્તમાન બેટી પઢાઓ, શાળા પ્રવેશોત્સવ, શાળા ગુણોત્સવ, શાળા સ્વાસ્થ્ય કાર્યક્રમોને પ્રાસંગિક ગણાવતાં સંસ્કાર સિંચનમાં ગુરૂજનો, અદકેરો ભાગ ભજવે તેને સમયનો તકાદો ગણાવ્યો હતો.
પ્રારંભમાં પ્રસંગ પરિચય, મંત્રીશ્રી મહાનુભાવોનું શાલ, પુષ્પે સ્વાગત ટ્રસ્ટી માવજીભાઇ આહિર તથા સ્ટાફગણે કર્યુ હતું. આ પ્રસંગે નગરપાલિકા પાણી
પુરવઠા ચેરમેન અશ્વિનભાઇ પંડયા, અંજાર તાલુકા ભાજપા મહામંત્રી કાના શેઠ, શહેર ભાજપાના લવજીભાઇ સોરઠીયા, ક્રિપાલસિંહ ઝાલા તેમજ વાલીગણ, છાત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.