આનંદો! મુંબઈમાં ચોમાસું સમયસર બેસશે

મુંબઈઃ ઉનાળાની ધખધખતી ગરમીથી કંટાળી ગયેલા મુંબઈગરા માટે રાહતના સમાચાર છે. મુંબઈગરા જેની આતુરતાથી રાહ જોતા હોય છે તે ચોમાસું આ વર્ષે મુંબઈમાં સમયસર આવી પહોંચવાનું છે. કારણકે આ વર્ષે મેના છેલ્લા અઠવાડિયામાં કેરળમાં ચોમાસાનું આગમન થવાનું છે અને ત્યારબાદ દસેક દિવસમાં જ તે મુંબઈમાં દાખલ થઈ જશે એવો અંદાજ હવામાન ખાતાએ વ્યક્ત કર્યો છે.
મહારાષ્ટ્ર સહિત ઉત્તર ભારતમાં ગરમીએ કાળોકેર વર્તાવ્યો છે ત્યારે મે મહિનાના અંતમાં પશ્ર્‌ચિમી હિંદ મહાસાગરમાં ચોમાસાના પવનોનો પ્રવાહ સક્રિય થાય એવો સંકેત હવામાન નિષ્ણાતોએ આપ્યો છે.
સ્કાયમેટ નામની ખાનગી સંસ્થાએ કેરળમાં ચોમાસાના આગમન વિશે શનિવારે અંદાજો જાહેર કર્યો હતો. તેમના અંદાજા મુજબ ૨૮ મેના રોજ કેરળમાં ચોમાસાનું આગમન અપેક્ષિત હોઈ એકાદ-બે દિવસ આગળ પાછળ થઈ શકે છે. ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઑફ ટ્રૉપિકલ મેટીઓરોલૉજીએ પણ હવામાનનો અંદાજો વ્યકત કર્યો છે. જેમાં મે મહિનાના અંતમાં વિષુવવૃત ઓળંગીને આવનારા ર્નૈઋત્ય મોસમી પવનોનો પ્રવાહ અરબી સમુદ્રમાં સક્રિય થઈ રહ્યાં હોવાનું દેખાઈ રહ્યું છે. આ અંદાજા મુજબ બંગાળના ઉપસાગરમાં ૨૪-૨૫ મે દરમિયાન ચોમાસાનો પ્રવાહ સક્રિય થવાની શકયતા હોઈ તે દરમિયાન આંદામાનમાં ચોમાસાનું આગમન થશે.
ચોમાસાના કેરળમાં આગમન બાબતે ભારતીય હવામાન ખાતાના ક્લાયમેટ રિસર્ચ ઍન્ડ સર્વિસેસના પ્રમુખ ડૉ.એ.કે.સહાયના કહેવા મુજબ અરબી સમુદ્રમાં હાલ હવાના ભારે દબાણનો પટ્ટો (ઍન્ટી સાયક્લોન) સક્રિય હોઈ ૨૩-૨૪ની દરમિયાન તે વિસ્તારમાં તેનો પ્રભાવ ઓસરી જશે. તેના થોડા દિવસ બાદ ર્નૈઋત્યના મોસમી પવનોનો પ્રવાહ અરબી સમુદ્રમાં સક્રિય થઈને ચોમાસાનું કેરળમાં આગમન થશે. ભારતીય હવામાન ખાતા દ્વારા ચોમાસાના કેરળમાં આગમન બાબતની આાગાહી ૧૫ મેના રોજ જાહેર કરવામાં આવશે.
ચોમાસાના કેરળમાં આગમન થયા બાદ હવામાન અનુકુળ હોય તો સાધારણ રીતે અઠવાડિયામાં ચોમાસું મહારાષ્ટ્રમા દાખલ થાય છે જોકે તે બાબતનો અંદાજ ચોમાસાના કેરળમાં આગમન બાદની સ્થિતિ જોઈને જ કહી શકાતું હોવાનું હવામાન નિષ્ણાતોએ કહ્યું હતું. ચોમાસાનું કેરળમાં આગમન થની સાથે જ દક્ષિણ અરબી સમુદ્રમાં હવાના ઓછા દબાણનો પટ્ટો તૈયાર થાય અને તે વાયવ્ય દિશા તરફ સરકે તો ચોમાસાની આગળ જવામાં વિધ્ન ઊભું થતું હોય છે.અમેરિકન નૅશનલ ઓશિઓનિક ઍન્ડ ઍટમૉસ્ફેરકી ઍડમિનિસ્ટ્રેશન (નોઆ) સંસ્થાન તરફથી જગતના ૧૬ મૉડેલના આધારે પ્રશાંત મહાસાગરની સ્થિતિનો અંદાજ હાલમાં જ બહાર પાડવામાં આવ્યો હતો. તે મુજબ આ વર્ષે અલ નિનોનો પ્રતિકુળ પ્રભાવ રહેવાની શકયતા અંત્યંત ઓછી છે. તેમના અંદાજ મુજબ ૨૦૧૮માં અલ નિનો વિકસીત થવાની શક્યતા ૫૦ ટકા છે. ચોમાસા પર પ્રતિકુલ પ્રભાવ પાડનારા અલ નિનોએ મહત્ત્વનો ઘટક આ વર્ષે ચોમાસા દરમિયાન સક્રિય રહેવાની શકયતા નહીંવત હોવાને કારણે ચોમાસું સરેરાશ રહેવાનો અંદાજો હવામાન ખાતાઅએ વ્યક્ત કર્યો છે.