આધોઈમાં વીજ લાઈનના અપુરતા વળતર અંગે ધરણા પર બેઠેલા ખેડૂતોની પોલીસે કરી અટકાયત

કંપની દ્વારા અગાઉ મીટર દીઠ ૯ હજાર વળતરની બાહેંધરી અપાઈ બાદમાં વળતર અડધું કરી સાડા હજાર ચૂકવતા ખેડૂતોએ કર્યો વિરોધ

ભચાઉ : તાલુકાના આધોઈ ગામે વીજલાઈનના અપુરતા વળતર મુદ્દે ખેડૂતો ધરણા પર બેઠા હતા. જેઓની આજેે કંપનીના ઈસારે પોલીસ દ્વારા અટકાયત કરી લેવાતા મામલો ગરમાયો હતો.
મળતી માહિતી પ્રમાણે ભુજથી શીવલખા સુધી અદાણી કંપની દ્વારા વીજલાઈન પાથરવાનો પ્રોજેક્ટ હાથ પર લેવાયો છે. જે અનુસંધાને આધોઈ ગામે પણ ખેડૂતોની જમીનમાંથી વીજપોલ અને વીજવાયરો પસાર કરવામાં આવ્યા હતા. ખેડૂતોને વીજપોલનું વળતર તો આપી દેવાયું, પરંતુ વીજવાયરના વળતર અંગે કંપનીએ નનૈયો ભણી દેતા ગ્રામજનો ધરણા પર બેઠા હતા. ખેડૂતોને ન્યાય મળે તે માટે અહીંના જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો સહિતના આગેવાનો ભચાઉ પ્રાંત અધિકારીને મળ્યા હતા. જેમાં કંપની દ્વારા અપાતા અપુરતા વળતરનો મુદ્દે ચર્ચાઓ બાદ શુક્રવારે કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક કરી આ વિવાદનો હલ લાવવામાં આવશે તેવી ખાતરી અપાઈ હતી. જાે કે એકાએક પોલીસ દ્વારા આવી શાંતિપુર્વક ધરણા કરતા ખેડૂતોની અટકાયત કરી લેવાતા મામલો ગરમાયો હતો. પોલીસે છાવણીમાં ધસી જઈ મહિલાઓ સહિત ખેડૂતોને જીપમાં બેસાડી અટકાયત કરી હતી.
અહીંના આગેવાન નરેન્દ્ર ગઢવીએ જણાવ્યુ હતું કે, પાંચ વર્ષ પહેલા ગામમાંથી પાવર ગ્રીડ કંપનીની વીજલાઈન પસાર થઈ હતી. તે સમયે ખેડૂતોને એક મિટરના ૧૫ ટકા એટલે કે ૯ હજાર ભાવ ચુકવાયા હતા. અદાણી કંપની દ્વારા ગામમાંથી વીજલાઈન અને વીજપોલ પસાર કરવા બેઠક કરાઈ, ત્યારે તેઓએ ખાતરી આપી હતી કે, પાવરગ્રીડ કંપનીએ જે વળતર ચુકવ્યું છે તે આપવામાં આવશે. વીજપોલનો વળતર તો આપી દેવાયો, પરંતુ હવે જ્યારે વીજવાયરો પસાર થઈ રહ્યા છે ત્યારે મંજૂર ૯ હજારની સામે કંપની હવે માત્ર સાડા ૪ હજાર વળતર ચુકવવાનું કહી રહી છે. એકાએક વળતર અડધુ કરી દેવાતા ખેડૂતો દ્વારા વિરોધ કરાયો છે. અન્ય વિસ્તારોમાં કંપનીએ પુરૂ વળતર ચુકવ્યું છે. પરંતુ આધોઈમાં અડધુ વળતર ચુકવવાની વાત કરતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે. આવતીકાલે કલેક્ટર સાથે આ મુદ્દે મીટીંગ પણ યોજાવાની હતી. જે પૂર્વે કંપનીના ઈશારે પોલીસે ધરણા પર બેઠેલા ખેડૂતોની અટકાયત કરી લીધી છે.