આધાર કાર્ડના ડેટા વિદેશી કંપનીઓ પાસે પહોંચી ગયા

નવી દિલ્હી : સરકારી યોજનાઓનો લાભ મેળવવા માટે આધાર કાર્ડ ફરજિયાત બનાવવું જોઈએ કે નહીં તેની ચર્ચા ચાલી રહી છે ત્યારે એક આરટીઆઈના જવાબમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે, જેમાં કહેવાયું છે કે આધાર કાર્ડ તૈયાર કરવા અને અમલીકરણના કાર્યક્રમમાં જોડાયેલી વિવિધ વિદેશી કંપનીઓ પાસે આધારના
સંપૂર્ણ ડેટા પહોંચી ગયા છે. તેમાં વ્યક્તિની ફિંગરપ્રિન્ટ, સ્કેન ફોટો, જન્મતારીખ, મોબાઈલ નંબર સહિતની અંગત માહિતીનો સમાવેશ છે. આ કંપનીઓએ આ તમામ માહિતી સાત વર્ષ સુધીના ડેટા સ્ટોર કરી લીધા છે. આધાર કાર્ડની  સંપૂર્ણ કામગીરી જેના અંતર્ગત થાય છે તે યુઆઈડીએઆઈ એવું કહેતી રહી છે કે આધાર ડેટા  સંપૂર્ણ સલામત છે અને કોઈ ખાનગી કંપની પાસે તે નથી. બેંગલુરુના કર્નલ મેથ્યુ થોમસે આરટીઆઈ અરજી કરી હતી, જેમાં આ માહિતી બહાર આવી છે. માહિતી મુજબ યુઆઈડીએઆઈએ આધાર કાર્યક્રમ અંતર્ગત અમેરિકાની બાયોમેટ્રિક સર્વિસ પ્રોવાઈડર ન્-૧ આઈડેન્ટિટી સોલ્યુશન્સ ઓપરેટિંગ કંપની પ્રાઈવેટ લિમિટેડ, મોર્ફો એન્ડ એક્સેન્ચ્યોર સર્વિસીસ પ્રા. લિ. સહિતની કંપનીઓને કોન્ટ્રેક્ટ આપ્યો હતો.