આદિવાડા રોડ પર એક્ટિવા પર સવાર મહિલાના ગળામાંથી દોરાની ચીલઝડપ

(જી.એન.એસ)ગાંધીનગર,ગાંધીનગરના આદીવાડા ત્રણ રસ્તાથી ખસા તરફ જવાના રોડ ઉપર ગઈકાલે રાત્રે એક્ટીવા પર સવાર મહિલાના ગળામાંથી સોનાના દોરાની ચીલ ઝડપ કરી અજાણ્યા બુકાનીધારી યામાહા બાઇક ચાલક ફરાર થઈ ગયો હતો. આ અંગે સેક્ટર ૨૧ પોલીસ ગુનો નોંધી સોનાના દોરાની કિંમત ૬૦,૦૦૦ રૂપિયા ગણી બુકાનીધારી બાઇકચાલકને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર ગાંધીનગરના સેક્ટર ૧૪ પ્લોટ નંબર ૧૨/૧ માં રહેતા દેવાંગ જાની આઇટી કંપનીમાં નોકરી કરે છે. જ્યારે તેમના પત્ની પૂજા સરકારી કર્મચારી છે. ગઈકાલે ૧૮મી માર્ચની રાત્રે સાડા આઠ વાગ્યાના સુમારે દેવાંગ તેમજ તેમના પત્ની પૂજા એકટીવા ઉપર આદીવાડા ત્રણ રસ્તાથી ખ-૭ તરફના રોડ ઉપરથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે અંધારાનો લાભ લઇ યામાહા બાઈક(નં-ય્દ્ઘ૩૧ત્ન૩૧૦૦) ઉપર આવેલ બુકાનીધારી ઈસમ એક્ટિવાની પાછળ બેઠેલ પૂજાના ગળામાંથી દોઢતોલા વજનનો સોનાનો દોરો(મંગળસૂત્ર) તફડાવીને પુરપાટ ઝડપે નાસી ગયો હતો. આ અંગે દેવાંગની ફરિયાદના આધારે સેક્ટર ૨૧ પોલીસ મથકના પી.એસ.આઇ એમડી મકવાણાએ ગુનો નોંધી બાઈક નંબરના આધારે ચેઇન સ્નેચરને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.