આદિપુર કોલેજ સર્કલ પાસે ૩૦ થી ૪૦ નાના-મોટા દબાણો હટાવાયા

ગાંધીધામ : ગાંધીધામ નગરપાલિકા દ્વારા આદિપુર કોલેજ સર્કલ પાસે લારી-ગલ્લાવાળાઓએ દબાણ કરેલું છે તે દબાણ આજે બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. અગાઉ પણ ગાંધીધામ નગરપાલિકા દ્વારા આ લારી-ગલ્લાવાળાઓને દબાણ હટાવવા અનેકવાર નોટિસો આપવામાં આવી હતી છતાં પણ તેઓએ સ્વૈચ્છાએ દબાણ ન હટાવતા પાલિકાના દબાણ શાખાના ઈન્સ્પેક્ટર દ્વારા કાર્યવાહી જમીનને ખુલી કરવામાં આવી હતી.પ્રાપ્ત થતી વિગતો મુજબ આદિપુરના કોલેજ સર્કલ પાસે આવેલી ગર્લ્સ હોસ્ટેલની સામે સર્કલની ચારેય તરફ ખાણી-પીણીના ધંધાર્થીઓએ અંડિગો જમાવ્યો હતો.
અવાર-નવાર લારી-ગલ્લાવાળાઓને નોટિસો પાઠવ્યા છતા દબાણ હટાવાની કામગીરી ન કરાતા આખરે ગાંધીધામ નગરપાલિકાના દબાણ શાખાના ઈન્સ્પેક્ટર લોકેશ શર્મા દ્વારા પોલીસને સાથે રાખીને ૪૦થી પ૦ લારી તેમજ ગલ્લાને દૂર કરી જમીનને દબાણમુક્ત કરવામાં આવી હતી. ટ્રાફિક પોલીસના સુનિલભાઈ દવે તેમજ નગરપાલિકાના કર્મચારીઓ આ દબાણ હટાવ કામગીરીમાં જોડાયા હતા.અત્રે નોંધનીય છે કે, આદિપુર ખાતે અનેક સ્થળોએ લારી-ગલ્લાવાળાઓએ ઘણા વર્ષોથી અંડીગો જમાવીને બેઠા હોવાથી ટ્રાફિક સમસ્યાઓ પણ ઊભી થતી હોય છે. જેના લીધે વાહન ચાલકો અને રાહદારીઓને પરેશાનીઓ વેઠવી પડતી હોય છે. તેવામાં પાલિકા દ્વારા જ્યાં-જ્યાં દબાણો છે તેને હટાવવાની ઝુંબેશ શરૂ કરાવામાં આવી છે. આગામી સમયમાં જ્યાં-જ્યાં દબાણો હશે તેને હટાવાની કામગીરીમાં કરવામાં આવશે