આદિપુરમાં રાજ્યવ્યાપી બોગસ સ્કૂલ લિવિંગસર્ટીફિકેટનો પર્દાફાશ કરતી એલ.સી.બી.

ગાંધીધામ : આદિપુર શહેરમાં પુર્વ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચે છાપો મારી રાજ્ય વ્યાપી જાલી સ્કૂલ લિવિંગ સર્ટીફીકેટનો પર્દાફાશ કર્યો હતો. એક શખ્સને જાલી દસ્તાવેજ તેમજ રબર સ્ટેપ સાથે ઝડપી પાડ્યો હતો. રાજ્ય વ્યાપી બોગસ સ્કૂલ લિવિંગકાંડમાં તપાસ દરમ્યાન અનેક નવા કડાકા ભડાકા થવાની શકયતાઓ સેવાઈ હતી.
પ્રાપ્ત વિગતો મુજબ પુર્વ કચ્છ એસ.પી. ભાવનાબેન પટેલ તેમજ અંજારના નાયબ પોલીસ અધિક્ષક ડી.એસ. વાઘેલાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ એચ.એલ. રાઠોડ તથા તેમની ટીમે આદિપુર ખાતે પુર્વ બાતમી આધારે છાપો મારી રાજ્ય વ્યાપી બોગસ સ્કૂલ લિવિંગ સર્ટીફિકેટનો પર્દાફાશ કર્યો હતો. વિપુલ નામના ઝારખંંડના શખ્સને પકડી પાડી તેના પાસેથી બોગસ સ્કૂલ લિવિંગ સર્ટીફિકેટ તથા રબર સ્ટેમ્પ તથા સર્ટીફિકેટ બનાવવાના કાગળો સહિતનો મુદ્દામાલ ઝપ્ત કરેલ છે. આરોપી કોઈ પણ કંપની નોકરી મેળવવા માટે જાલી સર્ટીફિકેટ તથા માર્કશીટ આસાનીથી બનાવી આપતો હતો. આદિપુર શહેરમાં આવેલ ૧/એ વિસ્તારમાંરહેતા આ શખ્સે કેટલા બોગસ ડ્રાઈવિંગ લાયસન્સ બનાવી કેટલા લોકોને આપેલ છે તે વિગતો જાણવા એલસીબી દ્વારા પુછતાછ હાથ ધરવામાં આવેલ છે. આરોપી કોઈ પણ રાજ્યનું સ્કૂલ લિવિંગ સર્ટીફિકેટ તથા માર્કશીટ બનાવવામાં માહિર છે.
આ લખાય છે ત્યાં સુધી સતાવાર ફોજદારી ફરિયાદ નોંધાયેલ ન હોવાથી વધુ વિગતો જાણી શકાયેલ નથી, પરંતુ વિધિવત ગુનો નોંધાયા બાદ ચોકાવનારા ખુલાશા થઈ શકે તેમ છે.