આદિપુરમાં યુવતીએ અગમ્ય કારણોસર એસીડ પી મોતથી સોડતાણી

પ્રથમ સારવાર આદિપુરની ખાનગી હોસ્પીટલમાં લઈ ભુજ ખસેડાતા દમ તોડી દીધો :પરિવારજનોમાં ગમગીની

 

ગાંધીધામ : આદિપુર શહેરમાં બે વાળી વિસ્તારમાં લેબર કેમ્પમાં રહેતી યુવતીએ એસીડ પી લેતા સારવાર નસીબ નિવડે તે પૂર્વે દમ તોડી દેતા પરિવારજનોમાં અરેરાટી સાથે શોકનું મોજુ છવાઈ જવા પામ્યું હતું.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આત્મહત્યાનો બનાવ રાત્રીના રઃ૧પ વાગ્યે સપાટી ઉપર આવ્યો હતો. ભાવનાબેન રમેશ ચારણ (ઉ.વ.૧૮)એ કોઈ અગમ્ય કારણોસર એસીડ પી લેતા તેને તાકીદની સારવાર મળે તે માટે આદિપુરની જૈન સેવા સમિતિ હોસ્પીટલમાં દાખલ કરાઈ હતી જ્યાં તેની હાલત નાજુક જણાતા વધુ સારવાર માટે ભુજ ખસેડાતા સારવાર નસીબ નિવડે તે પહેલા દમ તોડી દીધો હતો. આદિપુર પોલીસે સીઆરપીસી ૧૭૪ હેઠળ અકસ્માત મોતનો બનાવ દર્જ કરી હેડ કોન્સ અશોકભાઈ ચૌહાણે તપાસ હાથ ધરી હતી. આ બાબતે તપાસનીશનો સંપર્ક સાધતા એસીડ પીનાર ભાવનાનું ડીડી લઈ શકાયેલ નથી જેથી કારણો જાણવા મળેલ નથી. તો હતભાગીની અંતિમ ક્રિયા બાદ પરિવારજનોની પૂછતાછમાં આપઘાત કરવા પાછળના કારણો બહાર આવી શકે તેમ છે. યુવતીના અચાનક મોતથી પરિવારજનોમાં શોકનું મોજુ છવાઈ જવા પામ્યું છે.