આદિપુરમાં મહિલાના ગળામાંથી સોનાના ચેઈનની ચીલઝડપ

ઘરની બહાર લારી પરથી ફ્રુટ ખરીદતી મહિલાના ગળામાંથી એક્ટિવા પર આવેલો અજાણ્યો શખ્સ ચેઈન આંચકી ફરાર

(ક્રાઈમ પ્રતિનિધિ)ગાંધીધામ : આદિપુરમાં આવેલી આશાપુરા સોસાયટી વોર્ડ નં. ૬-એ માં રહેતી મહિલાના ગળામાંથી રૂપિયા ૪પ હજારની સોનાની ચેઈનની ચીલઝડપ થતા આદિપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. એક્ટિવા પર આવેલો અજાણ્યો આરોપી મહિલાના ગળામાંથી ચેઈન આંચકીને ફરાર થઈ ગયો હતો.
આદિપુર પોલીસ દફતરેથી પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી સીમાબેન સુનીલકુમાર શર્માએ બનાવ અંગે અજાણ્યા આરોપી વિરૂદ્ધ ગુનો નોંધાવ્યો હતો. ફરિયાદી મહિલા પોતાના ઘરની બહારના ભાગે શેરીના રોડ ઉપર ફ્રુટની લારીવાળો આવ્યો હતો, તેની પાસેથી ફ્રુટની ખરીદી કરતા હતા, તે દરમ્યાન શેરીમાં એક્ટિવા પર એક અજાણ્યો શખ્સ આવ્યો હતો અને તેણે ફરિયાદીના ગળામાં પહેરેલી સોનાની ચેઈન આંચકી લીધી હતી. અંદાજે દોઢ તોલા વજનની કિંમત રૂા. ૪પ હજારની ચેઈનની ચીલઝડપ કરાતા ફરિયાદી મહિલાએ આદિપુર પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો, જેને પગલે પીએસઆઈ એચ. એસ. તિવારીએ આગળની તપાસ હાથ ધરી છે.