આદિપુરમાં તસ્કરોએ પાડ્યું ખાતર : ૪.૧૩ લાખની મત્તા ચોરાઈ

ઘરધણી નૈનીતાલ ફરવા ગયા તે દરમિયાન તસ્કરોએ મોકાનો લાભ ઉઠાવી ચોરીને આપ્યો અંજામ

ગાંધીધામ : છેલ્લા થોડા સમયથી કચ્છમાં ચોરી અને લૂટફાટના બનાવો વધી રહ્યા છે ત્યારે ચોરીની વધુ એક ઘટના શિક્ષણનગરી આદિપુરમાં બનવા પામી છે. ઘર માલિક નૈનીતાલ ફરવા ગયા તે દરમિયાન ઘર બંધ હોવાથી તસ્કરોએ મોકાનો લાભ ઉઠાવી બંધ ઘરમાં પ્રવેશી ૪.૧૩ લાખની મત્તાની ચોરી કરી હતી.આદીપુરમાં વોર્ડ નં.૪/બી સાધુ વાસવાણીનગરમાં ચોરીની આ ઘટના બની હતી. જે અંગે મારુતી સ્કૂલના ડાયરેક્ટર એવા ફરિયાદી શિલ્પાબેન ચિંતનભાઈ આસવાનીએ આદીપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જે પ્રમાણે શનિવારે સવારે ૧૧ વાગ્યાથી રવિવારે સાંજે ૭ઃ૩૦ વાગ્યા સુધીમાં ચોરીની ઘટનાને તસ્કરોએ અંજામ આપ્યો હતો. ફરિયાદી નૈનીતાલ ફરવા ગયા ત્યારે ઘર બંધ હતું એ દરમિયાન તસ્કરોએ ઘરની પાછળની બારી ખોલી લોખંડની ગ્રીલ તોડી ઘરમાં ગેરકાયદે રીતે પ્રવેશ કરી લીધો હતો અને ઘરમાં રહેલા સોના-ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા મળી કુલ રૂા.૪,૧૩૦૦૦ મુદ્દામાલની ચોરી કરી હતી. ચોરીની ઘટના અંગે આદિપુર પીએસઆઈ એસ.એસ. તીવારીએ આગળની તપાસ હાથ ધરી છે.