આદિપુરમાં જુની અદાવતે બે જૂથ્થો વચ્ચે ધિંગાણું

સશસ્ત્ર મારામારીમાં છરીઓ ઉલડી, પથ્થરોના છૂટા ઘા કરાયા : એક પક્ષની ફરિયાદી મહિલાએ સામા પક્ષના શખ્સે છેડતી કર્યાનો કર્યો આક્ષેપ : આદિપુર પોલીસ મથકે સાત શખ્સો સામે નોંધાઈ સામ સામે ફરિયાદ

ગાંધીધામ : આદિપુરના વોર્ડ-૧/એમાં બે જૂથ્થો વચ્ચે અગાઉના ઝઘડાના મનદુઃખે સશસ્ત્ર ધિંગાણું થયું હતું. જેમાં છરી ઉલડવાની સાથે છૂટા પથ્થરોના ઘા કરી ઘરમાં નુકસાન પહોંચાડાયું હતું તો મહિલાની છેડતી પણ કરાઈ હતી. બનાવને પગલે સામ સામે ફરિયાદ નોંધાઈ હતી. પ્રાપ્ત વિગતો મુજબ ૩ર વર્ષિય પરિણીતાએ આરોપી વિમલ કોચરા અને ધિરેન ઉર્ફે ધીરજ કોચરા વિરૂદ્ધ ગુનો નોંધાવ્યો હતો. આરોપીઓએ ફરિયાદી સાથે અગાઉ થયેલા ઝઘડાનું મનદુઃખ રાખીને ભૂંડી ગાળો આપી હતી અને સાહેદ દિનેશને હાથમાં છરી વળે માર મારી ઈજાઓ પહોંચાડી હતી. આરોપી ધીરજે ફરિયાદી મહિલાના છાતીના ભાગે હાથ રાખીને છેડતી કરી હતી. તેમજ ફરિયાદીના ઘર પર છૂટા પથ્થરોના ઘા કરી ઘરમાં નુકસાન પહોંચાડ્યું હતું. તેમજ જાનથી મારી નાખવાની ધમકી અપાતા આદિપુર પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. તો સામા પક્ષે ધિરેન મહેન્દ્રભાઈ કોચરાએ આરોપી વિશાલ મહેશ્વરી, મેઘનાબેન વિશાલ મહેશ્વરી, વિશાલના ભાઈ, સુરેશ ડુંગરખીયા તેમજ ધીરેન ડુગરખીયા વિરૂદ્ધ ગુનો નોંધાયો હતો. જેમાં ફરિયાદી તથા તેના ભાઈ સાથે આરોપીઓ ઝઘડો કરતા હતા. જેમાં ગાળા ગાળી ન કરવા તેમજ ઝઘડો નહીં કરવાનું જણાવતા આરોપીઓએ ફરિયાદીની ગેરહાજરીમાં આંગણામાં અપપ્રવેશ કરીને મકાનની બારીના કાંચ તોડી પાડ્યા હતા. તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપતા આદિપુર પોલીસે ગુનો નોંધ્યો હતો. આદિપુરમાં થયેલી મારામારીના બનાવમાં સામ સામે ફરિયાદ નોંધાતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.