આતંક મુદે પાક.ના ભુંડા હાલ કરશે ભારત

અમેરીકાની મદદનુ હકકદાર નથી પાક.
વોશ્ગિંટન : અમેરિકાના રિપબ્લિકન સેનેટર રેન્ડ પૉલે
પાકિસ્તાન અમેરિકાની મદદનું હક્કદાર નહીં હોવાનું જણાવ્યું છે. અમેરિકન સેનેટર પૉલે કહ્યુ છે કે આતંકવાદી ઓસામા બિન લાદેનની શોધખોળમાં પણ પાકિસ્તાને અમેરિકાની મદદ કરી નથી. અલકાયદા ચીફ ઓસામા બિન લાદેન પાકિસ્તાનના જ એક શહેરમાં રહેતો હતો અને તેને અમેરિકાના નેવલ સીલ કમાન્ડોએ એક ઓપરેશનમાં ઠાર માર્યો હતો. અમેરિકાના ટોચના સેનેટર રેન્ડ પૉલ પાકિસ્તાનને આપવામાં આવનારી અમેરિકાની મદદ બંધ કરવા માટે એક વિધેયક લાવવાના છે. રિપબ્લિકન સેનેટર પૉલનું કહેવું છે કે આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં સહયોગ નહીં કરવાને કારણે પાકિસ્તાન અમેરિકા દ્વારા મળનારી મદદ મેળવવાને લાયક નથી. ટ્રમ્પ વહીવટી તંત્ર દ્વારા પાકિસ્તાનને મદદ રોકવાની ઘોષણા કરાયા બાદ રિપબ્લિકન સેનેટર રેન્ડ પૉલે કહ્યુ છે કે પાકિસ્તાનને મદદ બંધ કરવા માટે આગામી દિવસોમાં હું એક ખરડો લાવી રહ્યો છું. મારું વિધેયક એવું હશે કે પાકિસતાનને સહાયતાના નામે આપવામાં આવનારા ધનને અમેરિકામાં સડકો અને પુલોના નિર્માણ માટે પાયાગત સુવિધા માટેના ફંડમાં મૂકવામાં આવે. અમેરિકાના સેનેટર રેન્ડ પૉલે કહ્યુ છે કે જે દેશો અમેરિકાના ઝંડા સળગાવે છે અને અમેરિકાનો નાશ થાય તેવા સૂત્રો પોકારે છે. તેમને વોશિંગ્ટન તરફથી ફૂટી કોડી આપવી જોઈએ નહીં. પાકિસ્તાન જેવા દેશ આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં મહત્વપૂર્ણ માહિતી સુધી પહોંચ બનાવવામાં સહયોગ કરી રહ્યા નથી. તેઓ અમેરિકાનું ફંડ મેળવવાના હકદાર નથી. હવે અમેરિકાએ પોતાના કરદાતાઓની મહેનતની કમાણી પાકિસ્તાનને આપવા પર લગામ લગાવવી પડશે. સેનેટર પૉલે સવાલ કર્યો છે કે અમેરિકાએ ૨૦૦૨થી પાકિસ્તાનને ૩૩ અબજ ડોલરની રકમ મોકલી છે અને તેનાથી અમેરિકાને શું મળ્યું? પાકિસ્તાને ઘણાં વર્ષો સુધી તેમના એક શહેરમાં રહેતા ઓસામા બિન લાદેનને શોધવામાં પણ અમેરિકાની મદદ કરી નથી. અમેરિકાના રિપબ્લિકન સેનેટર રેન્ડ પૉલે કહ્યુ છે કે જેણે અમેરિકાને લાદેનની માહિતી આપી તેને પાકિસ્તાને જેલમાં પુર્યો છે. પાકિસ્તાને પોતાના દેશમાં શકમંદ આતંકવાદીઓને તેમની પ્રવૃત્તિ કરવાની મંજૂરી આપી છે. કેટલાક લોકોનું કહેવું છે કે પાકિસ્તાની ગુપ્તચર સંસ્થાના એજન્ટો હકીકતમાં તેમને ધન પુરું પાડે છે અને તેમને મદદ કરે છે. કેન્ટુકીના સેનેટર પૉલે કહ્યુ છે કે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરમાં પાકિસ્તાનને આપવામાં આવતી મદદને રોકવાની હાકલ કરી છે. મહત્વપૂર્ણ છે કે શુક્રવારે અમેરિકાએ ૧.૧૫ અબજ ડોલરનું સુરક્ષા સહાયતા ફંડ અટકાવ્યું છે. આ પહેલા અમેરિકાએ વિદેશી સૈન્ય અનુદાનના ૨૫ કરોડ ૫૦ લાખ ડોલરની રકમ પણ અટકાવી છે.

 

 

 

હાફીઝને લીધો બરાબર બાનમાં
વોશ્ગિંટન : આતંકી સંગઠનોની વિરૂદ્ધ કાર્યવાહી ન કરવાને લઇ અમેરિકાના નિશાના પર આવેલા પાકિસ્તાન એ હવે તેના વિરૂદ્ધ પોતાના તેવર કડક કરી દીધા છે. આતંકી હાફિઝ સઇદના સંગઠન જમાત-ઉદ-દાવાના ફંડિંગ પર પ્રતિબંધ મૂકયા બાદ હવે પાકિસ્તાન એ તેને આર્થિક મદદ કરનારને ૧૦ વર્ષની સજાની જાહેરાત કરી છે. શનિવારના રોજ પાકિસ્તાને કહ્યું કે હાફિઝ સઇદના પ્રતિબંધિત સંગઠન જમાત-ઉદ-દાવા અને ફલાહ-એ-ઇનસાનિયતને ફંડિંગ કરનારાઓને આ સજા અપાશે.દેશભરના અખબારોમાં સરકારે ઉર્દુમાં જાહેરાત આપી ચેતવણી જાહેર કરી દીધી છે. આ જાહેરમાં જમાક, ફલાહ-એ-ઇંસાનિયત અને લશ્કર-એ-તૈયબા સહિત ૭૨ પ્રતિબંધિત સંગઠન સામેલ છે. લશ્કર-એ-તૈયબાના સંસ્થાપક પણ હાફિઝ સઇદ જ છે. આ જાહેરાતમાં કહેવામાં આવ્યું છે કે ૧૯૯૭ના પાકિસ્તાનના એંટી-ટેરરિઝમ એક્ટ અને ૧૯૪૮ના સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના એકટના મતે વોચલિસ્ટમાં સામેલ કોઇપણ સંગઠનને ફંડિંગ આપવું ગુનો છે.જાહેરાતમાં કહેવામાં આવ્યું છે કે આવા લોકો અને સંગઠનોને ફંડ આપનાર લોકોને ૫ થી ૧૦ વર્ષની કદ કે ૧ કરોડ રૂપિયાનો દંડ કે પછી બંનેની સજા થઇ શકે છે. આ સિવાય આવા લોકોની ચલ અને અચલ સંપત્તિ પણ સરકારની તરફથી જપ્ત કરી શકે છે. ગયા સોમવારના રોજ પાકિસ્તાને સઇદના નેતૃત્વવાળા જમાત-ઉદ-દાવા અને ફલાહ-એ-ઇંસાનિયતના ડોનેશન એકત્ર કરવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તરફથી પાકિસ્તાન પર છળ અને કપટનો આરોપ મૂકયા બાદ આ કાર્યવાહી કરી હતી.ટ્રમ્પ એ નવા વર્ષના અવસર પર પાક પર ધડાધડ ટ્‌વીટ કરતાં કહ્યું કે પાકિસ્તાન એ છેલ્લાં ૧૫ વર્ષમાં અમેરિકા પાસેથી ૩૩ અબજ ડોલરની મદદ લીધી છે, પરંતુ તેના બદલામાં માત્ર છળ અને કપટ જ આપ્યું છે. પાકિસ્તાન એ અમેરિકાના શાસકોને મૂર્ખ બનાવાનું કામ કર્યું છે. ત્યારબાદ પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની તરફથી પ્રતિબંધિત કરાયેલા સંગઠનોને કંપનીઓ અને વ્યક્તિઓની તરફથી ફંડિંગ કરવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો.

 

 

 

અમેરિકાથી બચવા પાક પાસે ફકત ૧૦ દિવસ !
વોશિંગ્ટન : પાકિસ્તાનને લઇ આક્રમક થયેલ અમેરિકા હવે શાંત થતું દેખાઇ રહ્યું નથી. હવે વ્હાઇટ હાઉસે ચેતવણી આપી દીધી છે, કે જો પાકિસ્તાન પોતાને ત્યાં સંરક્ષણ મેળવી રહેલા તાલિબાન અને હક્કાની નેટવર્કની વિરૂદ્ધ નિર્ણાયક કાર્યવાહી કરશે નહીં તો અમેરિકાની પાસે તમામ વિકલ્પ ખુલ્લા છે. વ્હાઇટ હાઉસની આ ચેતવણી અમેરિકા દ્વારા પાકિસ્તાનને
આપવામાં આવેલ ૨ અબજ ડોલરની સુરક્ષા સહાયતા પર પ્રતિબંધ મૂક્યા બાદ આવી છે. પાકિસ્તાન પાસે હવે માત્ર ૧૦ દિવસનો સમય વધ્યો છે. અમે આવું એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે, અમેરિકાએ આતંકવાદ મુદ્દે પાકિસ્તાનને ૧૫ જાન્યુઆરી સુધીનું અલ્ટીમેટમ આપી દીધું છે. ટ્રમ્પ પ્રશાસને પાકિસ્તાનને હક્કાની નેટવર્ક સાથે જોડાયેલા ૨૭ આતંકવાદીઓનું લિસ્ટ સોંપ્યું છે. અમેરિકાએ પાકિસ્તાનને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી દીધી છે કે, આ બધા આતંકવાદીઓને તેમના હવાલે કરી દે. જો પાકિસ્તાન આમ નહીં કરે તો, અમેરિકા ડાયરેક્ટ પાકિસ્તાનમાં ઘૂસીને આ તમામ ૨૭ આતંકવાદીઓને મારી નાખશે. એક ન્યુઝ પોર્ટલના અહેવાલ પ્રમાણે, એવી જાણકારી પણ મળી રહી છે કે, અમેરિકા પાકિસ્તાન પર ઘણા પ્રકારના નિયંત્રણો લાદવાની ઇચ્છા ધરાવે છે. તેના માટે અમેરિકાએ પાકિસ્તાનને ૧૫ જાન્યુઆરી સુધીનો સમય આપ્યો છે. એટલે કે ૧૫ જાન્યુઆરી પહેલા પાકિસ્તાને કોઈ નક્કર પગલા ન લીધા તો અમેરિકા તેની સાથે કંઈ પણ કરી શકે છે. નવા વર્ષની
પહેલી ટ્‌વીટમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એ પાકિસ્તાનને આતંકવાદના મુદ્દા પર જાહેર મંચ પર બરાબર ખખડાવ્યું હતું. ટ્રમ્પ એ પોતાની ટ્‌વીટમાં પાકિસ્તાન પર જુઠ્ઠું બોલવાનો અને છેતરપિંડી કરવાનો આરોપ મૂકયો હતો. ટ્રમ્પ એ કહ્યું હતું કે છેલ્લાં ૧૫ વર્ષમાં અમેરિકાએ પાકિસ્તાનને ૩૩ અબજ ડોલરની મદદ કરી છે પરંતુ બદલામાં તેને માત્ર જુઠ્ઠ અને છેતરપિંડી જ મળી છે. પાકિસ્તાન આતંકીઓને આશરો આપી રહ્યું છે. ટ્રમ્પ પ્રશાસનના એક વરિષ્ઠ અધિકારીએ નામ ન આપવાની શરત પર કહ્યું કે સુરક્ષા સહાયતા સિવાય પણ અમેરિકાની પાસે એવી કેટલીય રીતો છે જેનાથી તે પાકિસ્તાનને બરાબર સબક શીખવાડી શકે છે અને તે તાલિબાન-હક્કાની નેટવર્ક વિરૂદ્ધ કાર્યવાહી કરવા તૈયાર કરી શકે છે. આ ખતરાને દૂર કરવા માટે અમેરિકાના સંકલ્પ પર કોઇને શંકા કરવી જોઇએ નહીં અને હું કહીશ કે તમામ વિકલ્પ ખુલ્લા છે.

 

 

વોશ્ગિંટન : અમેરિકાએ બરાબર ખખડાવતા અને આર્થિક સહાયતા રોકતા ગભરાઇ ગયેલા પાકિસ્તાને પોતાના મિત્ર ચીન પાસે આશા રાખીને બેઠું છે, પરંતુ અમેરિકાની નવી સ્ટ્રેટજીથી તેને વધુ જોરદાર ઝાટકો લાગી શકે છે. આતંકીઓના સુરક્ષિત ઠેકાણાને ખત્મ કરવા માટે અમેરિકા હવે ચીનને પણ પોતાની સાથે લેવાની તૈયારીમાં છે. વ્હાઇટ હાઉસના એક સિનિયર અધિકારીએ કહ્યું કે આ મુદ્દા પર ચીન અમેરિકાની કેટલીક ચિંતાઓને જણાવી શકે છે અને વૉશિંગ્ટન પેઇચિંગ અને બીજી ક્ષેત્રીય શક્તિઓની સાથે ઇસ્લામાબાદને એ વાત માટે તૈયાર કરશે કે પાકિસ્તાનમાં હાલના આતંકીઓના સુરક્ષિત ઠેકાણાઓને ખત્મ કરવાની જરૂર છે.
ટ્રમ્પ પ્રશાસન અમેરિકામાં આતંકી ઠેકાણાઓને નષ્ટ કરવાને લઇ ખૂબ જ કડક છે, કારણ કે અફઘાનિસ્તાન અને ક્ષેત્રીય સ્થિરતા માટે આ જરૂરી છે. અધિકારીએ આશા વ્યક્ત કરી છે કે ચીન
પાકિસ્તાનને એ વાત મનાવામાં સહાયક ભૂમિકા નિભાવી શકે છે કે આતંકીઓના આશરાને ખત્મ કરવો તેના પોતાના હિતમાં જ છે. અધિકારીએ ચીન પાકિસ્તાન ઇકૉનોમિક કોરિડોરનો ઉલ્લેખ કરતાં કહ્યું કે બંને દેશોની વચ્ચે જૂનો સંબંધ અને આર્થિક સંબંધ મજબૂત થઇ રહ્યો છે. તેમણે આગળ કહ્યું કે પરંતુ આતંકવાદની સમસ્યાને લઇ ચીન અમેરિકાની કેટલીક ચિંતાઓને જણાવી શકે છે. અમેરિકા બીજી ક્ષેત્રીય શક્તિઓની સાથે કામ કરવા માંગે છે અને ચીન આ મુદ્દા પર મુખ્ય હશે. ચીનના હિતમાં પણ નથી કે તે પાકિસ્તાનમાં આતંકવાદીઓનું અભયારણ્ય હોય. વરિષ્ઠ અધિકારીએ નામ જાહેર ન કરવાની શરત પર આ વાતો કહી. અધિકારીએ એમ પણ કહ્યું કે ચીન અને અફઘાનિસ્તાનની વચ્ચે સારા સંબંધ માટે ચીન સહાયક ભૂમિકા નિભાવી રહ્યાં છે. અને તે આ સંબંધમાં વધુ સક્રિય ભૂમિકા નિભાવી રહ્યું છે. આથી હું એ વાતને નકારું છું કે આતંકી ઠેકાણાઓને નષ્ટ કરવા માટે પાકિસ્તાનને મનાવામાં ચીન મદદ નહીં કરે. ઉલ્લેખનીય છે કે અમેરિકાએ આતંકવાદીઓને સંરક્ષણ આપતા પાકિસ્તાન પર આકરું થયું છે. અમેરિકાએ પાકિસ્તાનને આર્થિક મદદ આપવાની બંધ કરી દીધી છે. અમેરિકાના આ વલણથી પાકિસ્તાન એકદમ દબાણમાં આવી ગયું છે અને તેઓ આશા વ્યક્ત કરીને બેઠા છે કે ચીન તેમના માટે મદદરૂપ બની રહેશે.