આતંકીઓનું ટાર્ગેટ મુંદરા પોર્ટ હોવાનો થયો ઘટસ્ફોટ

ગાંધીધામથી ઝડપાયેલા આતંકીના ફોનના એફએસએલ રીપોર્ટમાં ચોંકાવનારા ખુલાસાઓ

 

ભુજ : મહારાષ્ટ્ર એટીએસએ ગત મે મહિનામાં મુંબઈના ફૈસલ હસન મિરઝા અને ગાંધીધામના ટ્રક ડ્રાઈવર અલ્લારખા મન્સુરીને ઝડપ્યા હતા. ઝડપાયેલા શખ્સોનો નાતો દુબઈ અને ત્યાંથી પાકિસ્તાન સાથે હોવાનું પણ તપાસમાં ખુલ્યું હતું ત્યારે હવે અલ્લારખાના મોબાઈલ ફોનના એફએસએલ રીપોર્ટથી ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે, જેમાં આતંકીઓનું ટાર્ગેટ મુંદરા પોર્ટ હોવાનું જાણવા મળ્યું છે.
ગાંધીધામથી એટીએસએ ઝડપેલા અલ્લારખાના મોબાઈલને મહારાષ્ટ્ર એફએસએલમાં મોકલવામાં આવ્યો હતો, જેમાં ફોનમાંથી મુંદરા પોર્ટના ૧૦ ફોટોગ્રાફ રિકવર કરાયા હતા. આ ફોટો ફોનમાંથી ડિલિટ કરી દેવાયા હતા.
પોલીસ અધિકારીઓના મતે અલ્લારખાએ આ ફોટોગ્રાફ દુબઈ સ્થિત ફારૂખ દેવડીવાલા મોકલ્યા હોઈ શકે. મરાઠી દૈનિક પત્ર લોકસત્તાએ એટીએસના સુત્રોના હવાલાથી આ ઘટસ્ફોટ કર્યો છે. અલ્લારખાના મોબાઈલ ફોનમાંથી મળેલી મુંદરા પોર્ટની જુદી – જુદી તસ્વીરો, તે પોતે પણ મુંદરા પોર્ટમાં જઈ આવ્યો હોવાનું જાણવા મળ્યું છે ત્યારે તેના પરથી અનુમાન લગાવાયું છે કે, સંભવત મુંદરા પોર્ટ આતંકીઓના નિશાન હોઈ શકે છે. દેવડીવાલા મુંબઈના ગેંગસ્ટર છોટા શકીલનો જુનો માણસ ગણાય છે ત્યારે મહારાષ્ટ્ર એટીએસએ છોટા શકીલ દ્વારા આ ષડયંત્ર રચાયું હોવાની આશંકાએ તપાસ હાથધરી છે. મુંબઈનો ફૈઝલ ફારૂક દેવડીવાલા માટે કામ કરતો હતો અને તેનું કામ ગુજરાત, મહારાષ્ટ્ર, યુપીનાના યુવાનોનું બ્રેઈન વોસ કરીને તેમને આતંકી તાલીમ માટે તૈયાર કરવાનું હતું ત્યારે ફૈઝલે જ અલ્લારખાને તૈયાર કર્યા હોવાનું અગાઉ ખુલ્યું હતું. અલ્લારખા ટ્રક ડ્રાઈવર હોવાથી તેની ભૂમિકા પાકિસ્તાનથી ભારતમાં આવતા વિસ્ફોટકો અને શસ્ત્ર સંરજામને ગુજરાત – મુંબઈ તેમજ યુપીમાં ચોક્કસ સ્થાને પહોંચાડવા તો અલ્લારખા ફૈઝલનો દૂરનો સંબંધી હોવાનું અને અગાઉ મુંબઈ રહેતો હોવાનું પણ તપાસમાં ખુલ્યું હતું. પુછતાછ ઉપરાંત વૈજ્ઞાનિક ઢબે થયેલી તપાસમાં એફએસએલ રીપોર્ટને આધારે પોલીસને આ માહિતીઓ મળી છે. જો કે, મુંદરા પોર્ટ પર કયારે અને કઈ રીતે એટેક થશે તેની વિગતો હજુ સુધી સામે આવી શકી નથી. મહારાષ્ટ્ર એટીએસએ આ મુદ્દે વધુ સઘન પુછતાછ અને તપાસ હાથ ધરી છે.