આડેસર પોલીસે ૪૩.૧૨ લાખના શરાબનો જથ્થો ઝડપ્યો

ભાતમીને આધારે રાજસ્થાનની ટ્રકમાંથી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો : પોલીસે કુલ ૫૮.૧૭ લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે

રાપર : કચ્છમાં ઓક્સિજનની બોટલ ભલે ન મલે પણ દારૂની બોટલોની રેલમછેલ થઈ રહી છે. તેનો પૂરાવો આડેસરથી ઝડપાયેલા લાખોના શરાબે આપ્યો છે. આડેસર પોલીસે બાતમીને આધારે રાજસ્થાનની ટ્રકમાંથી ૪૩.૧૨ લાખનો શરાબ ઝડપી પાડ્યો છે.

કરોડો રૂપિયાનો દારૂ ઠાલવનાર લીસ્ટેડ બુટલેગરો હાલ પોલીસની ગીરફ્તમાં છે. રેન્જ આઇજીપીએ થોડા સમય પહેલા જ સપાટો બોલાવ્યો હતો. અને અગાઉ કચ્છમાં કરોડોનો દારૂ મોકલનાર તેમજ મંગાવનાર બુટલેગરોને ઝડપી પાડ્યા હતા. તેવામા કચ્છમાં ફરી કોઇ મોટા માથાએ દારૂ ઘુસાડવાનો જાણે મનસૂબો બનાવ્યો હોય તેમ, લાખો રૂપિયાનો દારૂ કચ્છમાં ઘુસાડવાના પ્રયત્નો થઇ રહ્યા છે. જેને પોલીસ નિષ્ફળ બનાવી રહી છે. ત્યારે ફરી આડેસર નજીકથી લાખો રૂપિયાના દારૂનો જથ્થો ઝપાયો છે. જાે કે માલ મોકલનાર અને મંગાવનાર બન્નેના નામ તપાસમા સામે આવ્યા નથી. આડેસર પોલીસે બાતમીને આધારે રાજસ્થાનની ટ્રકમાંથી રૂ. ૪૩.૧૨ લાખની કિમતના દારૂ-બિયરની ૧૪,૧૦૦ બોટલ અને ટીન ઝડપી પાડ્યા છે. ટ્રક સહિત પોલીસે કુલ ૫૮.૧૭ લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. સાથે બાડમેરના સાંગસિગ જેઠામાલસિંગ સોઢાની ધરપકડ કરી છે. આડેસર પોલિસે બાતમીના આધારે બામણસણ પાટીયા પાસેથી એક શંકાસ્પદ ટ્રક ઝડપી પાડી હતી. જેની તપાસ કરતા તેમાંથી ૧૪,૧૦૦ બોટલ દારૂ બોટલ તેમજ બીયરના ટીનનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રાજસ્થાન પાર્સીગની ટ્રકના ચાલક સામે ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. પોલીસના દરોડમાં નાશી જનાર આરોપીઓમાં પપશા સોઢા તેમજ કમલસિંહ રાઠોડનાં નામ સામે આવ્યા છે. છેલ્લા બે માસમાં માત્ર આડેસર પોલીસે જ કરોડો રૂપિયાના દારૂના જથ્થાને ઝડપી પાડ્યો છે. આડેસર પોલીસે કરેલી કાર્યવાહીમાં પીએસઆઇ વાય.કે. ગોહિલ હેડ કોન્સટેબલ બલભદ્રસિંહ ઝાલા, કોન્સટેબલ શૈલેષ ચોધરી, વિજયસિંહ ઝાલા, વિષ્ણુદાન ગઢવી, ભરતજી ઠાકોર, ગાંડાભાઈ ચૌધરી, મગનભાઈ પઢિયાર, ભગવાનભાઈ ચૌધરી સહિતનો સ્ટાફ જોડાયો હતો.