આડેસર પોલીસે ફિલ્મી ઢબે કારનો પીછો કરી ૩.૬૪ લાખનો શરાબ ઝડપ્યો

બનાસકાંઠાના સુઈ ગામના એક શખ્સની ધરપકડ જ્યારે મોટી રવનો આરોપી દરોડા દરમ્યાન નાસી છૂટ્યો

રાપર : તાલુકાના ખેડુકા ગામથી મોટી હમીરપર તરફ જતા રસ્તા પરથી આડેસર પોલીસે સ્કોર્પિયો કારનો ફિલ્મી ઢબે પીછો કરીને તેમાંથી ૩.૬૪ લાખના શરાબ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. જ્યારે અન્ય એક આરોપી દરોડા દરમ્યાન નાસી છૂટ્યો હતો. પોલીસે કાર સહિત કુલ ૮,૭૯,૩પ૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ રેન્જ આઈજીપી જે.આર. મોથલિયા તેમજ પૂર્વ કચ્છ એસપી મયુર પાટીલની સૂચનાથી આડેસર પોલીસની ટીમ ગેરકાયદેસર રીતે દારૂની થતી હેરફેરને અટકાવવા માટે પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન આડેસર પીએસઆઈ વાય.કે. ગોહિલને મળેલી પૂર્વ બાતમીના આધારે પીએસઆઈ સહિતનો પોલીસ સ્ટાફ વોચમાં હતો. દરમ્યાન બાતમી મુજબની સફેદ કલરની સ્કોર્પિયો કારનો ખેડુકા ગામથી મોટી હમીરપર તરફ જવાના રસ્તા પર પોલીસે ફિલ્મી ઢબે કારનો પીછો કરીને તેમાંથી ભારતીય બનાવટના વિદેશી શરાબનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે કરેલી કાર્યવાહીમાં જુદા-જુદા બ્રાન્ડની દારૂની બોટલ અને ક્વાર્ટરિયા મળીને ૩,૬૪,૩પ૦નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. દરોડા દરમ્યાન આરોપી બનાસકાંઠાના સુઈગામ તાલુકાના કાણોઠી ગામમાં રહેતા કુલદીપસિંહ ધીરૂભા ચૌહાણની ધરપકડ કરાઈ હતી. જ્યારે મોટી રવમાં રહેતો યશપાલસિંહ બળુભા જાડેજા નામનો આરોપી દરોડા દરમ્યાન નાસી છૂટ્યો હતો. પોલીસે આ કાર્યવાહીમાં જી.જે.૮ એફ ૬૩૦૯ નંબરની સ્કોર્પિયો કાર સહિત ૮,૭૯,૩પ૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આડેસર પોલીસની આ કાર્યવાહીમાં પીએસઆઈ વાય.કે. ગોહિલ, જી.એ. ગોરી, પોલીસ કોન્સ્ટેબલ ગાંડાભાઈ ચૌધરી, હકુમતસિંહ જાડેજા, ભરતજી ઠાકોર, કાંતિસિંહ રાજપૂત, દિલીપભાઈ પરમાર, ચંદ્રકાન્ત ભાટિયા, ઈશ્વરભાઈ કાદરી, ભગવાનભાઈ ચૌધરી સહિતનો સ્ટાફ જાેડાયો હતો.