આડેસર પોલીસે ઈનોવા કારમાંથી 2.32 લાખનો દારૂ ઝડપ્યો : આરોપી ફરાર

રાપરના હમીરપરપ્રાગપર રોડ પરથી પોલીસે દારૂ સહિત 7.32 લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે

રાપર : તાલુકાના હમીરપરથી પ્રાગપર જતા રોડ પરથી આડેસર પોલીસે ઈનોવા કારમાંથી ભારતીય બનાવટના વિદેશી શરાબની અંદાજે 50 પેટી ઝડપી પાડી હતી. પોલીસે 2.32 લાખના શરાબ સહિત 5 લાખની કાર મળીને કુલ 7.32 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે આરોપી ફરાર થઈ ગયો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ રેન્જ આઈજીપી જે.આર. મોથલીયા તેમજ પૂર્વ કચ્છ એસપી મયુર પાટીલની સુચનાને પગલે આડેસર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન આડેસર પીએસઆઈ વાય.કે. ગોહિલને મળેલી બાતમીને આધારે હમીરપરથી પ્રાગપર તરફ જતા રોડ પરથી જીજે 10 ટીટી 7440 નંબરની ઈનોવા કારને ઝડપી પાડવામાં આવી હતી. કારમાં વિદેશી શરાબનો જથ્થો ભરાયેલો હતો. પોલીસે જુદી જુદી બ્રાન્ડની રૂપિયા 2 લાખ 32 હજાર 320ની કિમતની 588 નંગ શરાબની બોટલ કબ્જે કરી હતી. તો 5 લાખની કાર મળીને કુલ 7 લાખ 32 હજાર 320નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. પોલીસની રેડ દરમિયાન પ્રાગપરમાં રહેતા આરોપી શૈલેષ રાઘુભાઈ કોલી નાસી ગયો હતો. આડેસર પોલીસે કરેલી કાર્યવાહીમાં પીએસઆઈ વાય.કે. ગોહિલ હેડ કોન્સ્ટેબલ ધ્રુદેવસિંહ ઝાલા, પોલીસ કોન્સ્ટેબલ હકુમતસિંહ જાડેજા, વિજયસિંહ ઝાલા, વિષ્ણુદાન ગઢવી, ભરતજી ઠાકોર, ગાંડાભાઈ ચૌધરી, ઈશ્વરભાઈ કાદરી, રાકેશભાઈ ચૌધરી, મહેન્દ્રસિંહ છાયદરા, સુરેશભાઈ ચૌધરી, ભવાનભાઈ ચૌધરી સહિતનો સ્ટાફ જોડાયો હતો.