આડેસર પાસે ૯પ હજારનો શરાબ ભરેલી અલ્ટો પકડાઈ

બાતમી આધારે વોચમાં ઉભેલી પોલીસ ટુકડીને જોઈ કાર મૂકી બે શખ્સો થઈ ગયા ફરાર : કાર-મોબાઈલ સહિત ૧.પપ લાખનો મુદ્દામાલ કર્યો હસ્તગત

 

ગાંધીધામ : રાધનપુર-સામખિયાળી નેશનલ હાઈવે ઉપર આવેલ આડેસર પાસેથી પોલીસે ૯પ,ર૦૦ની કિંમતનો શરાબનો જથ્થો ભરેલ અલ્ટો કાર સહિત ૧,પપ,૭૦૦નો મુદ્દામાલ ઝડપી પાડી દારૂ પ્યાસીઓના મનસુબા ઉપર પાણી ફેરવી દીધું હતું. તો કાર મૂકી નાસી છુટેલા આરોપીઓને ઝડપી પાડવા પોલીસે ઝાળ બિછાવી હતી.
પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર બોર્ડર રેન્જના આઈજીપી પિયુષ પટેલ તથા પૂર્વ કચ્છ એસપી ભાવનાબેન પટેલ, ભચાઉના નાયબ પોલીસ અધિક્ષક રાકેશ દેસાઈના સીધા માર્ગદર્શન હેઠળ આડેસર પોલીસ સ્ટેશનના વરિષ્ઠ પીએસઆઈ કે.બી. જાડેજા તથા તેમની ટીમ નાઈટ પેટ્રોલીંગમાં હતી ત્યારે પીએસઆઈ શ્રી જાડેજાને મળેલ પૂર્વ બાતમી આધારે રાત્રીના ૧ઃપ૦ કલાકે આડેસર હાઈવે ઉપર આવેલ કેડીએમ પંપ સામે વોચમાં હતા ત્યારે બાતમી વાળી નંબર વગરની અલ્ટો કાર આવતા કાર ચાલક સહિત બે શખ્સો પોલીસ ટુકડીને જોઈ કાર મૂકી અંધારાનો લાભ લઈ બાવળોની ઝાડીઓનો ઓથ લઈ નાસી છુટ્યા હતા. કારની તલાસી લેતા કારમાંથી જુદા જુદા બ્રાન્ડની ઈગ્લીશ દારૂની બોટલો નંગ ર૭ર કિં.રૂા.૯પ,ર૦૦ મળી આવી હતી. નોકીયા કંપનીનો મોબાઈલ ફોન કિં.રૂા.પ૦૦ તથા ૬૦ હજારના કાર મળી ૧,પપ,૭૦૦નો મુદ્દામાલ કબ્જે લઈ નાસી છુટેલા બન્ને આરોપીઓ સામે પીએસઆઈ કે.બી. જાડેજાએ ફોજદારી નોંધાવતા ભાગી છુટેલા આરોપીઓને પકડી પાડવા પીએસઆઈ બી.જે. પરમારે તપાસ હાથ ધરેલાનું પીએસઓ અશોકભાઈ જોષીએ જણાવ્યું હતું. લાખોનો શરાબ દારૂ પ્યાસીઓના હોઠે આવે તે પહેલા જ પોલીસના હાથે ઝડપાઈ જતા બુટલેગરો તથા દારૂ પ્યાસીઓમા હડકમ મચી જવા પામી હતી.