આડેસર પાસે ગમખ્વાર ત્રિપલ અકસ્માત : ચારને કાળ આંબી ગયો

જે.આઈ.સી.માં બંદીવાન ૧૪ પાક નાગરિકોને વાઘા બોર્ડર ડિર્પોટ કરવા જતી પોલીસ બસને બામણસર- આડેસર ચેક પોસ્ટ વચ્ચે નડ્યો અકસ્માતઃ ભચાઉથી લૌકિક ક્રિયામાં જતા રબારી પરિવારના આઈસર
ટેમ્પોને પોલીસ બસે પાછળથી ટક્કર મારી

 

અકસ્માતમાં માર્યા ગયેલા મૃતકોના નામ
– મોતીભાઈ કાનાભાઈ રબારી (ઉ.વ.૩૦) (રહે. ભચાઉ)
– સકતાભાઈ નારણભાઈ રબારી (ઉ.વ. ૬પ) (રહે. ભચાઉ)
– વસતાભાઈ મેવાભાઈ રબારી (ઉ.વ. ૪પ) (રહે. ભચાઉ)
– સરતાનભાઈ કમાભાઈ રબારી (રહે. ભચાઉ)

 

૧૪ પાક.બંદીવાનોને વાઘા બોર્ડર ઉપર ડિપોર્ટ કરવા અન્ય પોલીસ વાહન મોકલાવાયું
ભુજ : બામણસર અને આડેસર વચ્ચે ગોઝારા અકસ્માતમાં ચાર વ્યકિતઓના મોત થયા હતા. પશ્ચીમ કચ્છ પોલીસ જિલ્લાના મુખ્યમથક ભુજ ખાતે જેઆઈસીમાં રહેલા ૧૪ પાક. બંદીવાનોને મુકત કરવા ભારત સરકાર દ્વારા આદેશ કરાતા પોલીસ જાપ્તા હેઠળ પોલીસ બસ દ્વારા ભુજથી વાઘા બોર્ડર જવા રવાના કરાયા હતા અને રાત્રીના સમયે અકસ્માત થતા જીપના ચાલક સહિત ચાર પોલીસ કર્મચારીઓને ઈજાઓ થઈ હતી. એકસીડેન્ટના બનાવની જાણ થતા પશ્ચિમ કચ્છ એસપી એમ.એસ. ભરાડાએ બંદીવાનોને વાઘા બોર્ડર મૂકવા માટે ભુજથી તાબડતોબ અન્ય પોલીસ બસને રવાના કરી હતી અને ૧૪ પાક. બંદીવાનોને આડેસરથી સહી સલામત રવાના કરી દીધા હતા.

 

ભુજ : રાપર તાલુકાના બામણસર- આડેસર વચ્ચે આઈસર ટેમ્પો પાછળ પોલિસ બસ ભટકાતા ચાર વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. જ્યારે રરથી રપ જેટલા વ્યક્તિઓ ઘવાયા હતા.પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર ગોઝારા અકસ્માતનો બનાવ રાત્રીના દોઢેક વાગ્યાના આરસામાં બનવા પામ્યો હતો. મુળ ટપુરૂપુર તા. ભાભોર જિલ્લા બનાસકાંઠા હાલે સર્વોદય સોસાયટી ભચાઉ રહેતા રબારી પરિવાર લૌકિકક્રિયા માટે ભચાઉથી ભાભોર તરફ આઈસર ટેમ્પો નં. જીજે ૧ર બીવી ૭૦૧૬માં જતો હતો ત્યારે બામણસર અને આડેસર પોલીસ ચેકપોસ્ટ વચ્ચે આગળ જઈ રહેલા અજાણ્યા ટ્રેઈલરના ચાલકે અચાનક બ્રેક મારતા ટ્રેઈલરના ઠાઠામાં આઈસર ભટકાઈ ગયું હતું. બરાબર આજ સમયે ભુજ જેઆઈસીમાં રહેલા ૧૪ પાક બંદીવાનોને વાઘાબોર્ડર ડિપોર્ટ કરવા જઈ રહેલી પોલીસની જીજે ૧ર જી ૧૪૪૧ નંબરની બસ ટેમ્પોના ઠાઠામાં ભટકાઈ જતા ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં ટેમ્પોમાં સવાર મોતીભાઈ કાનાભાઈ રબારી (ઉ.વ.૩૦) તથા સકતાભાઈ નારણભાઈ રબારી (ઉ.વ. પ૪) બન્ને સર્વોદય સોસાયટી ભચાઉને ગંભીર ઈજાયો થતા ઘટના સ્થળે મોત આંબી ગયા હતા. ટેમ્પોમાં રબારી પરિવારના ૪પ સભ્યો ભચાઉથી લૌકિકક્રિયામાં જવા  નિકળ્યા હતા. જે પૈકી ગંભીર રીતે ઘવાયેલાઓને રાધનપુર- સાંતલપુરની હોસ્પિટલમાં ૧૦૮ દ્વારા ખસેડાયા હતા જેમાં રાધનપુરની હોસ્પિટલમાં વસ્તાભાઈ મેવાભાઈ રબારી (ઉ.વ. ૪પ) (રહે. મુળ બંધવડ હાલે ભચાઉ)નું મોત થયું હતું, જ્યારે સાંતલપુર હોસ્પિટલમાં સરતાનભાઈ કમાભાઈ રબારીએ દમ તોડી દીધો હતો. આમ અકસ્માતમાં મૃત્યુ આંક ચાર થયો હતો. જ્યારે પોલીસ જીપના ડ્રાઈવર અરવિંદ પુરોહિત તથા બંદીવાનોના જાપ્તામાં રહેલા અન્ય ત્રણ પોલીસ કર્મચારીઓ સહિત ચારને ઓછીવતી ઈજાઓ થઈ હતી. અકસ્માતમાં બંદીવાનોને કોઈ પણ પ્રકારની ઈજાઓ થવા પામી ન હતી. ગોઝારા અકસ્માતના બનાવની જાણ થતા પીએસઆઈ બી.જે. પરમાર, હેડ કોન્સ. સુમતીભાઈ પરમાર, તપતસિંહ સિધેવ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે ધસી ગયો હતો અને ઈજાગ્રસ્તોને આડેસર- રાપર- સામખીયાળી- સાંતલપુરની ૧૦૮ દ્વારા સારવાર માટે મોકલી આપવા કાર્યવાહી હાથ ધરી હતી.