આડેસર ચેક પોસ્ટ પરથી ફરી ૩૦.૩૮ લાખનો શરાબ ઝડપાયો

  • હોળી પૂર્વે કચ્છમાં દારૂની રેલમછેલ કરવાના મનસુબાઓ નાકામ

બેન્ટોનાઈટ પાવડરના કટ્ટાની આડમાં છુપાવીને ઘુસાડવામાં આવતો શરાબ : આડેસર પોલીસે બાતમીના આધારે ૪પ.૬૦ લાખનો મુદ્દામાલ કર્યો કબજે પોલીસની કાર્યવાહી એક રાજસ્થાની શખ્સ ઝડપાયો તો અન્ય બે હાજર ન મળતા નોંધાયો ગુનો

(ક્રાઈમ પ્રતિનિધિ)રાપર : કચ્છના પ્રવેશદ્વાર સમા આડેસર ચેકપોસ્ટ ખાતેથી પોલીસે ફરી એકવાર વિક્રમી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. રાજસ્થાન પાર્સિંગની ટ્રકમાંથી પોલીસે ૩૦.૩૮ લાખના શરાબનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ટ્રકમાં બેન્ટોનાઈટ પાવડરના કટ્ટાની આડમાં શરાબ છુપાવીને કચ્છમાં ઘુસાડવામાં આવતો હતો. પોલીસે કરેલી કાર્યવાહી રાજસ્થાનના એક શખ્સની ધરપકડ કરાઈ હતી જ્યારે અન્ય બેનું નામ ખુલતા ત્રણેય સામે પોલીસે ગુનો નોંધ્યો હતો. હોળી પૂર્વે કચ્છમાં દારૂની રેલમછેલ કરવાના મનસુબાઓ પર પોલીસે પાણી ફેરવ્યું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ કચ્છ બોર્ડર રેન્જ આઈજીપી જે.આર.મોથલિયા તેમજ પૂર્વ કચ્છ એસપી મયૂર પાટીલ અને પૂર્વ કચ્છ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક કે.જી.ઝાલાની સૂચનાને પગલે રાપર પોલીસની ટીમ પીએસઆઈ વાય.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ દારૂ-જુગારની બદીઓને નેસ્ત નાબૂદ કરવા માટે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પીએસઆઈ વાય.કે. ગોહિલને મળેલી બાતમીને આધારે પોલીસની ટીમ આડેસર ચેકપોસ્ટ પર વોચમાં ગોઠવાઈ હતી. જેમાં બાતમી મુજબની જીજે૧૪-જીકે-૪૧ર૪ નંબરની ટ્રક આવતા પોલીસે તેને અટકાવીને તલાસી લેતા ટ્રકમાં બેન્ટોનાઈટ પાવડરના કટ્ટાની આડમાં દારૂની પેટીઓ છુપાવવામાં આવી હતી. પોલીસે ટ્રકમાંથી જુદા-જુદા બ્રાન્ડની દારૂના ક્વાટરિયાની ૩૦,૧૯૪ નંગ બોટલ કબજે કરી હતી. પોલીસે દરોડા દરમિયાન ૩૦,૩૮,૪૦૦ રૂપિયાનો પ્રોહિ. મુદ્દામાલ કબજે કર્યો હતો. તેમજ ટ્રકમાંથી રૂા.૧૬,૮૭પની કિંમતના બેન્ટોનાઈટ પાવડનાર ૧પ૦ કટ્ટા પણ મળી આવ્યા હતા. આ ઉપરાંત પોલીસે ૧પ લાખની ટ્રક, એક મોબાઈલ મળીને કુલ ૪પ,૬૦,ર૭પનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસની કાર્યવાહીમાં રાજસ્થાનના ભરતપુર જિલ્લાના નગલા ફિરોજપુરના આરોપી વસીમ અકરમ સોરાબ મેબ (મુસ્લિમ)ની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે આ ઈંગ્લિશ દારૂનો જથ્થો જોતપુરમાં રહેતા ગંગા નામના શખ્સે મોકલાવ્યો હતો. પોલીસે એક આરોપીની ધરપકડ કરવા ઉપરાંત જથ્થો મોકલાવનાર અને મંગાવનાર અજાણ્યા ઈસમ સામે ગુનો નોંધ્યો હતો. ઉલ્લેખનીય છે કે, હોળી ધુળેટીના તહેવાર પૂર્વે જ આડેસર પોલીસે વધુ એકવાર ધોંસ બોલાવીને કચ્છમાં ઘુસાડાનો લાખોનો શરાબ ઝડપી બૂટલેગરોના મનસુબાઓ નાકામ બનાવ્યા હતા. પોલીસની આ કાર્યવાહીમા આડેસરના પીએસઆઈ વાય.કે. ગોહિલ, હેડ કોન્સ્ટેબલ બલભદ્રસિંહ ઝાલા, પોલીસ કોન્સ્ટેબલ દલસંઘજી ડાભી, હકુમતસિંહ જાડેજા, શૈલેષભાઈ ચૌધરી, ભરતજી ઠાકોર, ગાંડાભાઈ ચૌધરી, વિજયસિંહ ઝાલા, વિષ્ણુદાન ગઢવી, મહેન્દ્રસિંહ છાયદરા, ભાણજીભાઈ પ્રજાપતિ, ઈશ્વરભાઈ કાદરી, રાકેશભાઈ ચૌધરી સહિતનો સ્ટાફ જોડાયો હતો.