આડેસર ચેકપોસ્ટ પરથી દારૂની ૩૦૦ પેટી સાથે બે ઝડપાયા

૧પ લાખના ટેમ્પો સાથે ૧૮.૭ર લાખનો મુદ્દામાલ જપ્ત

રાપર : તાલુકાના આડેસર ચેકપોસ્ટ પરથી ફરી એકવાર લાખો રૂપિયાનો વિદેશી શરાબનો જથ્થો ઝડપાયો છે. ગઈકાલે આડેસર પોલીસે વાહન ચેકીંગ દરમ્યાન ટેમ્પામાંથી દારૂની ૩૦૦ પેટી સાથે બે યુવાનોને ઝડપી લીધા હતા. મળતી માહિતી પ્રમાણે આડેસર પીએસઆઈ વાય. કે. ગોહિલ અને સ્ટાફના માણસો ચેકપોસ્ટ ખાતે વાહન ચેકીંગમાં હતા તે દરમ્યાન ટાટા કંપનીના બંધ બોડીના ટેમ્પો રજી. નં. યુપી ૮ર ટી. ૦૦પ૩ વાળાની તલાસી લેતા તેમાંથી દારૂ મળી આવ્યો હતો. ટેમ્પોમાંથી વોડકાની ર૦૪ બોટલ, મેકડોવેલ્સ વ્હીસ્કીની ૭૯૦ બોટલ, રોયલ ચેલેન્જ વ્હીસ્કીની ૧૮૦ બોટલ, એપીસોડ ગોલ્ડ વ્હીસ્કીની ૧ર૦૦ બોટલ, પ૭૬ કવાટરીયા તેમજ ટ્યુબર્ગના ૪૦૩ર બીયરના ટીન મળી આવ્યા હતા. ટાટા કંપનીનો ૧પ લાખનો ટેમ્પો અને દારૂ મળી કુલ્લ ર૮,૭ર, ૬૪૦ રૂા. નો મુદ્દામાલ કબજે કરાયો છે. ટેમ્પામાંથી યુપીના ભગવાનદાસ શીશુપાલ ગડરીયા અને મનોજ પપ્પુભાઈ યાદવની ધરપકડ કરાઈ છે. ઈગ્લીંશ દારૂ યુપીના મુરાદાબાદના બિલરી તાલુકાના લાલવારા ગામના રહેવાસી ગુલામ મોહંમદ હારૂને મોકલાવ્યો હતો તેવું તપાસમાં સામે આવ્યું છે. આડેસર પોલીસે આરોપીઓ સામે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. આ કામગીરીમાં પીએસઆઈ ગોહિલ તથા સ્ટાફના દલસંગજી ડાભી, હકુમતસિંહ જાડેજા, ભરતજી ઠાકોર, ભગવાનભાઈ ચૌધરી જોડાયા હતા. નોંધનીય છે કે, કોરોના મહામારીના સ્વૈચ્છિક લોકડાઉનના પ્રતિબંધો વચ્ચે પણ દારૂની હેરફેર થઈ રહી છે.