આડેસરમાં તમંચા સાથે બે શખ્સો ઝડપાયા

દેશી હાથ બનાવટના બે કટ્ટા તથા એક ડઝન કારતુસ, મોબાઈલ, બાઈક, રોકડ સહિત ૭૮ હજારનો મુદ્દામાલ કરાયો હસ્તગત : હથિયારો કયાંથી મેળવ્યા તે જાણવા રિમાન્ડ મેળવવા કાર્યવાહી હાથ ધરાઈ

ગાંધીધામ : આગામી રથયાત્રાને આડે માત્ર ગણતરીના કલાકો જ બાકી રહી ગયા છે ત્યારે પૂર્વ કચ્છ પોલીસે વાહન ચેકીંગ સઘન બનાવી દીધી છે. રાપર તાલુકાના આડેસર ગામે પોલીસ ચેકપોસ્ટ ઉપર વાહન ચેકીંગ દરમ્યાન બે શખ્સોને દેશી બનાવટના (કટ્ટા) તમંચા તથા જીવીત કારતુસ સહિત ૭૮ર૧૦ના મુદ્દામાલ સાથે પકડી પાડી હવાલાતમાં ધકેલી દીધા હતા.
પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર પૂર્વ કચ્છ એસપી ભાવનાબેન પટેલ તથા ભચાઉના નાયબ પોલીસ અધિક્ષક રાકેશ દેસાઈના માર્ગદર્શન હેઠળ આડેસર પોલીસ મથકના પીએસઆઈ જે.એચ. ગઢવી તથા સ્ટાફ આગામી રથયાત્રા દરમ્યાન કોઈ ભાંગફોડ ન થાય તે માટે આડેસર પોલીસ ચેકપોસ્ટ ઉપર વાહન ચેકીંગ કરતા હતા દરમ્યાન રાત્રીના ૮ઃર૦ કલાકે નંબર વગરની કાળા કલરની બજાજ પલ્સર મોટર સાયકલ આવતા તેને રોકાવી ચેક કરતા બાઈક ઉપર સવાર એક ઈસમ ભાગવા લાગેલ જેને સ્ટાફે પીછો કરી પકડી પાડ્યો હતો તેની પૂછપરછમાં પોતાનું નામ રાજેશકુમાર શ્રીથાંબુરામ ભારદ્રાજ (સ્વામીજી/પૂજારી) (ઉ.વ.પપ) (રહે. જહારી તા.જી. સોનીપત હરિયાણા) તથા જગતસિંહ દીપચંદ્રસિંહ સરકનિયા (વાલ્મીકી) (ઉ.વ.રપ) (રહે. મકાન નંબર ર૧૯, દુલખેઠા થાના સ્થાના જિલ્લો. બુલંદ શહેર યુપી)ને પકડી પાડી તેમની તલાસી લેતા દેશી હાથ બનાવટના બે કટ્ટા (તમંચા) તથા ૧ર નંગ કારતુસ મળી આવ્યા હતા. આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા રરપ૧૦ તથા ત્રણ મોબાઈલ તેમજ પ૦ હજારની બાઈક મળી ૭૮ર૧૦નો મુદ્દામાલ કબજે કરી તેમના સામે આર્મ્સ એકટ કલમ રપ(૧-બી) તથા જીપીએકટ ૧૩પ હેઠળ ગુન્હો નોંધી ધરપકડ કરી હતી. આરોપીઓએ દેશી કટ્ટા કોના પાસેથી ખરીદયા હતા અને તેનો ઉપયોગ શામા કરવાના હતા તેમની સાથે અન્ય કોઈ શખ્સો સંડોવાયેલ છે કે કેમ તે જાણવા રિમાન્ડ મેળવવા પીએસઆઈ જે.એચ. ગઢવીએ તપાસ હાથ ધરેલ છે. હથિયારો પકડી પાડવાની કામગીરીમાં પીએસઆઈ શ્રી ગઢવી સાથે સ્ટાફના તખતસિંહ સિંઘવ, શૈલેષભાઈ ચૌધરી, મહેશભાઈ પટેલ વિગેરે જોડાયા હતા.