આજે રાજકોટમાં GPSC પરીક્ષા : કોરોના પોઝિટિવ ઉમેદવાર પણ આપી શકશે એક્ઝામ

(જી.એન.એસ.)રાજકોટ,કોરોનાની બીજી લહેર બાદ સરકારી નોકરી જીપીએસસીમાં ભરતી માટેની પરીક્ષાઓ નીકળી છે. આવતીકાલે રવિવારે રાજકોટમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસરની પરીક્ષા યોજાનાર છે. સમગ્ર રાજ્યમાંથી વિદ્યાર્થીઓ રાજકોટ પરીક્ષા આપશે. રાજકોટ જિલ્લામાં ૫૪ કેન્દ્રો પર ૧૨ હજાર કરતા વધુ ઉમેદવારો પરીક્ષા આપશે. ત્યારે કોરોના પોઝિટિવ ઉમેદવારો પણ આવતીકાલે આરએફઓની પરીક્ષા આપી શકશે તેવી રાજકોટ અધિક કલેક્ટરે માહિતી આપી છે.ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આવતી કાલે ૨૦મી તારીખ ને રવિવારે રાજકોટમાં વન વિભાગમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસરની ભરતી કરવા માટેની પ્રીલીમીનરી પરીક્ષાનું આયોજન કરાયું છે. રાજકોટ અધિક કલેક્ટર પરિમલ પંડ્યાએ આ પરીક્ષા વિશે જણાવ્યું કે, આવતીકાલે રાજકોટમાં જીપીએસસીની પરીક્ષા યોજાશે. આરએફઓની પરીક્ષામાં ૫૪ કેન્દ્રો પર ૧૨ હાજર કરતા વધુ ઉમેદવારો પરીક્ષા આપશે. કોરોના પોઝિટિવ ઉમેદવારો પણ આ પરીક્ષા આપી શકશે. આ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોરોના પોઝિટિવ ઉમેદવારો માટે અલગથી કેન્દ્ર બનાવવામાં આવનાર છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, કોરોના પોઝિટિવ ઉમેદવારોએ પરીક્ષા માટે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. રજિસ્ટ્રેશન કરાવેલા જ કોરોના પોઝિટિવ ઉમેદવારો જ પરીક્ષા આપી શકશે. સાથે જ કોઈ પણ કોરોના પોઝિટિવ ઉમેદવાર સીધા પરીક્ષા કેન્દ્રો પણ ન પહોંચે તેવી અપીલ કરાઈ છે.