આજે મુલાયમસિંહ યાદવ નવી પાર્ટી રચવાની કરી શકે છે જાહેરાત

નવી દિલ્હી : મુલાયમસિંહ યાદવ આજે લખનઉમાં નવી  પાર્ટી રચવાની જાહેરાત કરી શકે છે. પાર્ટીનું નામ ઓલ ઈન્ડિયા સમાજવાદી પાર્ટી બની શકે છે. ઉત્તરપ્રદેશમાં સમાજવાદી  પાર્ટીમાં મુલાયમસિંહ યાદવ અને અખિલેશ યાદવ વચ્ચે મતભેદ થયા બાદ મુલાયમસિંહ આજે નવી પાર્ટીની જાહેરાત કરી શકે છે.મુલાયમસિંહ લખનૌમાં આજે એક પત્રકાર પરિષદને સંબોધવાના છે ત્યારે સમાદવાદી પાર્ટીને લઈને સવાલો ઉઠ્‌યા છે. જાણવા મળતી માહિતી મુજબ મુલાયમસિંહ પત્રકાર પરિષદમાં નવી પાર્ટીની જાહેરાત કરી શકે છે.અહેવાલ છે કે જો નવી પાર્ટીની જાહેરાત થશે તો તેમાં પૂર્વ મુખ્યપ્રધાન અખિલેશ યાદવથી નારાજ લોકોને શામિલ કરાશે. મુલાયમસિંહે લોહિયા ટ્રસ્ટમાં એક બેઠક બોલાવી હતી. પરંતુ તેમાં સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને તેમના પુત્ર અખિલેશ યાદવ અને તેમના સમર્થકોએ બેઠકનો બહિષ્કાર કર્યો હતો.બાદમાં મુલાયમસિંહે પોતાના ભાઈ રામગોપાલ યાદવને લોહિયા ટ્રસ્ટના સચિવ પદેથી સસ્પેન્ડ કરીને તેમની જગ્યાએ શિવપાલ યાદવને સચિવ બનાવ્યા હતા.