આજે અષાઢી અગિયારસ છતાં મેઘરાજા હજુ પણ પા.. પા.. પગલીએ

આજે સવારે ભુજ, અંજાર અને ગાંધીધામમાં હળવા છાંટા વરસ્યા : લખપત અને અબડાસામાં ધુળિયો માહોલ : માંડવી, મુંદરા, રાપર, ભચાઉ અને નખત્રાણામાં ઘનઘોર વાદળા છતાં ટીપુંય નહીં

ભુજ : અષાઢ મહિનો તો બેસી ગયો, પરંતુ કચ્છમાં વરસાદ જોઈએ તેટલો વરસતો નથી. શરૂઆતના દિવસોમાં શુકન સાચવ્યા બાદ દરરોજ ખાલી છાંટા પડે છે, જેનાથી માર્ગો ભીંજાયેલા રહે છે, પરંતુ જોઈએ તેટલો વરસાદ ન પડવાથી ચિંતા પ્રસરી છે. આજની જો વાત કરીએ આજે અષાઢી અગિયારસ છે છતાં કયાંય ધોધમાર વરસાદના બપોર સુધી વાવડ નથી. ભુજ, અંજાર અને ગાંધીધામ વિસ્તારમાં આજે સવારથી હળવા છાંટા વરસ્યા હતા. જેના કારણે માર્ગો ભીંજાયેલા રહ્યા હતા. સરહદી લખપત અને અબડાસામાં સવારથી ધુળિયા માહોલ વચ્ચે પૂર ઝડપે પવન ફુંકાયો હતો. તો વળી વાગડના રાપર અને ભચાઉ તેમજ માંડવી – મુંદરા, નખત્રાણામાં ઘનઘોર વાદળા ઘેરાયેલા રહ્યા હતા. સૌ કોઈ આકાશ તરફ નજર રાખી વરસાદ કયારે આવશે. તેની રાહ જુએ છે, પરંતુ વરસાદ છે કે આવતો જ નથી.
દક્ષિણ ગુજરાત અને મુંબઈ પાણી પાણી થઈ જતાં અહીંના લોકો વરસાદ કયારે વિરામ લેશે તેવું કહી રહ્યા છે, જયારે કચ્છમાં હજુ પણ વાવણી લાયક વરસાદ ન થતાં ખેડૂતો સહિત માલધારીઓ અને સૌ કોઈ વરસાદ કયારે આવશે તેની ચિંતામાં મગ્ન થઈ ગયા છે.હવામાન વિભાગ ભારે વરસાદની આગાહી કરે છે, પરંંતુ છાંટા પણ માંડ માંડ પડે છે. ત્યારે હવામાન વિભાગ સેના આધારે આવી આગાહીઓ કરી લોકોને ગેરમાર્ગે દોરે છે. તે સવાલ પણ ઉભો થવા પામ્યો છે.