આજથી બે દિ’ ગૌરવયાત્રામાં ૬૦૦થી વધુ પોલીસ જવાનો બંદોબસ્તમાં

પાટણ અને બનાસકાંઠાથી ૧૦ર પોલીસ કર્મીઓના કચ્છમાં ધામા

ભુજ : આજથી બે દિવસ માટે કચ્છમાં ભાજપ દ્વારા આયોજીત ગૌરવ વિકાસયાત્રાનું આયોજન કરાયું છે. ત્યારે તેના બંદોબસ્ત માટે પુર્વ કચ્છ, પશ્ચિમ કચ્છ ઉપરાંત બનાસકાંઠા અને પાટણથી મળીને કુલ ૬૦૦ જેટલા પોલીસ કર્મીએ પુર્વ અને પશ્ચિમ કચ્છમાં બંદોબસ્ત જાળવશે. આજે અને આવતીકાલે એમ બે દિવસ પુર્વ અને પશ્ચિમ કચ્છમાં પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવશે. જેમાં પ્રથમ દિવસે પુર્વ કચ્છમાં રાપરથી શરૂ થનાર ગૌરવયાત્રાના કાર્યક્રમો ઠેર- ઠેર યોજાશે. અને ખુદ મુખ્યમંત્રી પણ કચ્છમાં છે ત્યારે તેમના બંદોબસ્ત માટે બનાસકાંઠાના ર પીઆઈ, ૧પ પીએસઆઈ અને ૭પનો અન્ય સ્ટાફ ફાળવાયો છે. પાટણમાંથી ૧૦ પીએસઆઈ, પશ્ચિમ કચ્છમાંથી ૧ ડીવાયેસપી અને ૭પનો અન્ય પોલીસ કાફલો તેમજ સ્થાનિક પુર્વ કચ્છનો સ્ટાફ મળીને કુલ ૪૦૦ જેટલા પોલીસ કર્મીઓ ફરજ બજાવશે. તેવી જ રીતે બીજા દિવસે પશ્ચિમ કચ્છમાં પણ સ્થાનિકના ર૦૦ ઉપરાંતના જિલ્લા બહારના તેમજ પુર્વ કચ્છના મળીને ૪૦૦ જેટલા સુરક્ષા જવાનો બંદોબસ્ત માટે તૈનાત થયા છે.