‘આઘા રેજો… વિકાસ ગાંડો થયો છે’

અમદાવાદ : આજકાલ સોશિયલ મીડિયા પર ‘વિકાસ ગાંડો થયો છે’ અને ‘વિકાસ ભૂરાંટો થયો છે’ એવા મેસેજિસ વાઇરલ થયા છે. પેટ્રોલથી લઈને ટામેટાના ભાવ અને સારા રસ્તા માટે ઓળખાતા અમદાવાદ સહિત ગુજરાતના અનેક શહેરોના રસ્તાઓ ખાડા-ખબડા વાળા થઈ જતાં રોષે ભરાયેલો લોકોએ ‘વિકાસ’ના નામે ભારે પસ્તાળ પાડી છે. માંગરોળ પાસે એસટી બસના પૈડાં નીકળી જતાં સર્જાયેલા અકસ્માતની તસવીરો પણ સોશિયલ મીડિયા પર ભારે વાઇરલ થઈ હતી. આ તસવીર સાથે લોકોએ પોતાની કમેન્ટ પોસ્ટ કરીને જણાવ્યું હતું કે ‘આઘા રેજો વિકાસ ગાંડો થયો છે, ક્યાંક અડફેટે ન લઈ લે’. એક ક્રિયેટિવ ભેજાએ ફેસબૂક પર એવી પોસ્ટ મૂકી છે કે ‘કાર પર ૬ ટકા જીએસટી, ટ્રેક્ટર પર ૧૨ ટકા જીએસટી, ખેડૂત હવે ટ્રેક્ટરને બદલે કારથી ખેતી કરે તો વાંધો નહીં. ટીકાકારો આઘા રેજો વિકાસ ગાંડો નહીં, રઘવાયો થયો છે.’ ફેસબૂક, ટિ્‌વટર અને વોટ્‌સઅપ પર આ પ્રકારના મેસેજ ઝડપથી વાઇરલ થઈ રહ્યા છે. સૌથી મોટી પસ્તાળ દરરોજ વધી રહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવ પર પડી રહી છે. સરકારે જ્યારથી પેટ્રોલિયમ પ્રોડક્ટ્‌સના ભાવમાં દરરોજ વધઘટ કરવાની નીતિ અપનાવી છે ત્યારથી એ હદે ભાવ વધારો થયો છે કે લોકો પરેશાન છે. એ ઉપરાંત સરકારે તાજેતરમાં જ પેટ્રોલિયમ પ્રોડક્ટ્‌સ ઉપર લાદેલા આડેધડ કરવેરાને પાછા ખેંચી પ્રજાને રાહત આપવાનો ઇનકાર કરી દેતાં પણ લોકો વધુ રોષે ભરાયેલા છે. આ પરિસ્થિતિને પણ રમૂજમાં રજૂ કરતાં લોકોએ એવી પોસ્ટ મૂકી છે કે ‘પહેલી જુલાઈએ પેટ્રોલનો ભાવ રૂ.૬૩ હતો, જ્યારે ૩૦ ઓગસ્ટે ૭૦ની ઉપર ભાવ જતો રહ્યો છે. હવે તો વિકાસ ખરેખર ગાંડો થયો છે.’