આગામી સપ્તાહએ ભાજ૫ની પ્રદેશ કારોબારી યોજાશે

વરચ્યુઅલ પ્રદેશ કારોબારી બેઠકમાં આગામી ચૂંટણીઓની તૈયારીઓ અંગે રણનીતિ ઘડાશે : જુલાઇના પ્રથમ સપ્તાહમાં જિલ્લા કારોબારી બેઠકો યોજાશે

ગાંધીનગરઃ ભાજપ મોવડી મંડળ દ્વારા સંગઠન ને વધુ મજબૂત બનાવવા માટે તેમજ સંગઠનાત્મક માળખા અને તેની સાથે સંબંધિત અન્ય પ્રવૃત્તિઓ અંગે એક કાર્યયોજના ઘડી કાઢી ને કાર્યક્રમો જાહેર કરવામાં આવ્યા છે જેના ભાગરૂપે રાજ્યમાં ૨૧મી જૂન થી ૩૦ જૂન દરમિયાન એક દિવસીય પ્રદેશ કારોબારીની વર્ચ્યુઅલ બેઠકનું આયોજન કરવાનું રહેશે.રાજ્યમાં આગામી સપ્તાહે યોજાનારી એક દિવસીય પ્રદેશ કારોબારી બેઠકમાં આગામી વિધાનસભાની ચૂંટણીઓની તૈયારીઓ અંગેની ચર્ચાઓ કરીને ચૂંટણીલક્ષી કાર્યક્રમો ઘડી કાઢવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.આગામી વર્ષે ગુજરાત વિધાનસભાની ચુંટણીઓ આવી રહી છે ત્યારે ભાજપ દ્વારા અત્યારથી જ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરીને વિવિધ કાર્યક્રમો ઘડી કાઢી ને જાહેર કરવામાં આવનાર છે.ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલા કાર્યક્રમ અનુસાર ૨૧ થી ૩૦ જૂન દરમિયાન એક દિવસીય પ્રદેશ કારોબારી ની વર્ચ્યુઅલ બેઠક યોજાશે જેમાં શોક પ્રસ્તાવ, રાજકીય પ્રસ્તાવ આગામી ચૂંટણીઓ સેવા સંગઠન અને આગામી કાર્યક્રમો જેવા મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવશે અને તેને અનુલક્ષીને ભાવિ કાર્યક્રમો ઘડી કાઢી ને જાહેર કરવામાં આવશે.આ સમય દરમિયાન યોજાનારી પ્રદેશ કારોબારીમાં કારોબારીના સભ્યો જિલ્લા મહાનગરના કાર્યાલય પર સામૂહિક રીતે ઉપસ્થિત રહીને બેઠક માં જોડાવાનું રહેશે.આ ઉપરાંત તા .૧ થી ૩૧ જુલાઇ દરમિયાન રાજ્યના તમામ જિલ્લા મહાનગર ની કારોબારીની બેઠક કોરોના ની માર્ગદર્શિકા અનુસાર વર્ચ્યુઅલ બેઠક યોજવાની રહેશે જ્યારે તા. ૧૬ થી ૩૧ જુલાઇ દરમિયાન તમામ મંડલોમાં પ્રત્યક્ષ રૂપે મંડલ કારોબારીની બેઠક નું આયોજન કરવામાં આવશે.આ ઉપરાંત પક્ષ દ્વારા જાહેર કરવામાં આવેલા કાર્યક્રમ અનુસાર ૨૦ જૂન થી આગામી ૬ સપ્તાહ સુધી છ વર્ચ્યુઅલ પ્રશિક્ષણ વર્ગો નું ત્રિસ્તરીય આયોજન કરવામાં આવ્યું છે જેમાં રાષ્ટ્રીય સ્તરે પ્રશિક્ષણ વર્ગ પ્રદેશ કક્ષાએ પ્રશિક્ષણ વર્ગ અને જિલ્લા મહાનગર સ્તરે એક પ્રશિક્ષણ વર્ગ યોજવામાં આવશે.ભાજપ દ્વારા આગામી દિવસોમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા સંગઠનાત્મક કાર્યક્રમો પણ ઘડી કાઢી ને હાથ ધરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.