આખરે કરજણના ધારાસભ્યના પુત્ર સામે વૃદ્ધનું મોત નીપજાવવા બદલ ગુનો નોંધાયો

(જી.એન.એસ)વડોદરા,વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં ગઇરાત્રે હિટ એન્ડ રનના બનેલા બનાવમાં આખરે મોડીરાત્રે કરજણના ભાજપના ધારાસભ્યના પુત્ર સામે ગુનો નોંધાયો છે.કરજણના મેથી ગામે ગઇરાત્રે પંચાયત ઘર પાસે નાગજીભાઈ પટેલ નામના સીનીયર સીટીઝન રોડ ક્રોસ કરતા હતા ત્યારે પૂરઝડપે ધસી આવેલી કારે તેમને અડફેટમાં લેતા તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવમાં કરજણના ધારાસભ્ય અક્ષય પટેલના પુત્રની સંડોવણી હોવાથી ચકચાર વ્યાપી હતી. પરંતુ પોલીસને પૂછતા આવો કોઈ બનાવો પોલીસ સુધી આવ્યો નથી તેવા જવાબ આપવામાં આવતા હતા.આખરે મૃતકના વડોદરાના ભાયલી ખાતે રહેતા ભાણેજ મનિષ પટેલે મોડી રાત્રે કરજણ પોલીસ સ્ટેશનમાં જઇ ફરિયાદ નોંધવાનો આગ્રહ રાખતા પોલીસે મરનારના ભત્રીજા જીગ્નેશ પટેલની ફરિયાદ નોંધી હતી.ફરિયાદમાં જિજ્ઞેશ પટેલે પોલીસને કહ્યું હતું કે, મારા કાકાનો અકસ્માત થયો ત્યારે બાજુમાં સિલ્વર કલર કમ્પાસ કાર પડી હતી. જે કાર અક્ષય પટેલનો પુત્ર ઋષિ ચલાવતો હોવાનું તેમજ બાજુમાં એક યુવક પણ બેઠો હોવાનું મને જાણવા મળ્યું હતું. ઉપરોક્ત ફરિયાદના આધારે કરજણ પોલીસે અક્ષય પટેલના પુત્ર ઋષિ સામે બેદરકારી રીતે વાહન હંકારી અકસ્માત કરી મોત નીપજાવવા બદલ ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે.