આઈ૫ીએસ – આઈએએસ બદલીઓ રથયાત્રા સુધી સ્થગિત : ૧૫મી જુલાઈ પછી ફેરફારો નિશ્ચિત

ગાંધીનગર : ગુજરાતના વહીવટી તેમજ પોલીસ તંત્રમાં કરવાની થતી બદલીઓ ફરીવાર વિલંબમાં પડી છે. ૧૪મી જુલાઈએ રથયાત્રાની ઉજવણી પૂર્ણ થયા પછી એટલે કે ૧૫મી જુલાઈ પછી બદલીઓ થવાની શક્યતા વધી જાય છે. રાજ્યના ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ. એસ. ડાંગુર આ મહિનાના અંતે નિવૃત્ત થવાના હોઈ સરકારે પોલીસમાં ફેરફારો કરવાનું હમણાં ટાળ્યું છે.
ગુજરાતના વહીવટી તંત્રમાં ઉદ્યોગ, નાણા અને ય્છડ્ઢ જેવા વિભાગો વધારાના હવાલાથી ચાલી રહ્યાં છે. આ જગ્યાઓ પર કાયમી પોસ્ટીંગ થયા નથી. એવું સંભળાય છે કે ગૃહ વિભાગમાં એમ. એસ. ડાંગુર પછી ડો. રાજીવ કુમાર ગુપ્તાનો વારો આવી શકે છે.
રાજ્યના સિનિયર ઓફિસરોની ૪૦ જગ્યાઓએ મોટાપાયે ફેરબદલ તોળાઈ રહ્યાં છે. જો કે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ચોક્કસ સમય આપ્યો નથી પરંતુ આ મહિનાના અંત સુધીમાં બદલીઓ થઈ શકે છે. બીજી તરફ અષાઢી બીજના રોજ અમદાવાદ સહિત રાજ્યના અનેક ઠેકાંણે રથયાત્રા નિકળવાની છે. આ તહેવાર બાદ રાજ્યના
પોલીસતંત્રમાં ધરખમ ફેરફારોનો તખ્તો ગોઠવાઈ રહ્યો છે. ૧૪મી બાદ બઢતી અને બદલીનો દોર હાથ ધરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.
અષાઢી બીજના દિવસે અમદાવાદ સહિત રાજ્યના તમામ શહેરોમાં રથયાત્રા કાઢવામાં આવે છે. રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓને બંદોબસ્ત જવાબદારી સોંપવામાં આવી છે. રથયાત્રા બાદ પોલીસ તંત્રમાં લાંબા સમયથી ખાલી પડેલી જગ્યાઓ બઢતી અને બદલીથી ભરવા માટેની પ્રક્રિયા ગૃહવિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે.
પ્રથમ તબક્કામાં ૧૦૦ જેટલા પી.આઈ કક્ષાના અધિકારીઓને ડી.વાય.એસ.પી તરીકે બઢતી અને બદલીનો દોર હાથ ધરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે. બીજા તબક્કામાં રાજ્યના ચાર પોલીસ કમિશનર સંવર્ગનાં અધિકારીઓ સહિત રેન્જ આઈ.જી. અને એસ.પી. કક્ષાના અધિકારીઓની બદલીનો તખ્તો ગોઠવાઈ રહ્યો છે. રથયાત્રા બાદ બે તબક્કામાં બદલી અને બઢતીનો દોર હાથ ધરીને
પોલીસતંત્રમાં ધરખમ ફેરફારો કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.