આંબેડકર ભવનમાં કાર્યક્રમના વિવાદ વચ્ચે સમરસતા કાર્યક્રમ શરૂ

રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ આંબેડકર ભવનમાં જ જીજ્ઞેશ મેવાણીનો કાર્યક્રમ યોજવા મક્કમ : બંને પક્ષો વચ્ચે ઘર્ષણ ન સર્જાય તે માટે પોલીસ કાફલો તૈનાત

 

અદાણી અને મોદીએ કચ્છને વેંચી માર્યું છે : જીજ્ઞેશ મેવાણી
ભુજ : કચ્છમાં સમરસતા કાર્યક્રમમાં આવતા પૂર્વે જીજ્ઞેશ મેવાણીએ કચ્છ ઉદય સાથે ખાસ વાતચીત કરી હતી, જેમાં અદાણી અને નરેન્દ્ર મોદીએ કચ્છને વેંચી માર્યું હોવાના ખળભળાટ સર્જતા આરોપ મુકયા હતા. લોકોના પ્રશ્નો સાંભળવા માટે હું કચ્છમાં લોક સંવાદ કાર્યક્રમ યોજવા આવું છું, ત્યારે ભાજપના પેટમાં તેલ રેડાય છે તેવું જીજ્ઞેશ મેવાણીએ ઉમેર્યું હતું. ટુંકી અને ટચ વાત કરતાં તેમણે કહ્યું હતુ કે, ભાજપ સરકારના પેટમાં ચોર છે, હું સાચા અને પ્રાણ પ્રશ્નો ઉપાડવા ઠેર- ઠેર જાઉ છું, ત્યારે કચ્છમાં અમારા કાર્યક્રમને પોલીસ અને તંત્રની ધાક ધમકીથી મંજૂરી ન અપાય આ કયાંનો ન્યાય ? કચ્છમાં જમીનો ઉદ્યોગોને અપાય, હોસ્પિટલમાં બાળકોના મૃત્યુ થાય, દલિતો સાથે અત્યાચાર થાય, પીડિતોના કોઈ પ્રશ્નો ન સાંભળવામાં આવે ત્યારે અદાણી અને નરેન્દ્ર મોદીએ કચ્છને વેંચી નાખ્યું હોવાના આક્ષેપો જીજ્ઞેશ મેવાણીએ કર્યા હતા અને કચ્છમાં લોક સંવાદ કાર્યક્રમો યોજીને લોકોના પ્રશ્નો માટે લડતા રહેવાની તત્પરતા દર્શાવી હતી.

 

આંબેડકર ભવન પાસે જોવા મળી પોલીસ છાવણી
ભુજ : આંબેડકર ભવન ખાતે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચને કાર્યક્રમ માટે મંજૂરી ન અપાઈ અને અહીં કચ્છ જિલ્લા સમરસતાના કાર્યક્રમનું આયોજન મંચે અહીં જ કાર્યક્રમ યોજવાની મકમતા દર્શાવતા મોટી સંખ્યામાં પોલીસ કાફલો હોસ્પિટલ રોડ પર તૈનાત થયો હતો. બંને કાર્યક્રમો વચ્ચે કોઈ ઘર્ષણ ન થાય તે માટે પોલીસે અગમચેતીના ભાગરૂપે ચુસ્ત બંદોબસ્ત જાળવ્યો હતો. હોસ્પિટલ રોડ પર આંબેડકર ભવન પાસે ખડકાયેલા પોલીસ કાફલાને કારણે આ વિસ્તાર જાણ પોલીસ છાવણીમાં ફેરવાયો હોય તેમ જણાવ્યું હતું.

 

 

ભુજ : રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના કન્વિનર જીજ્ઞેશ મેવાણી આજે કચ્છમાં લોક સંવાદના કાર્યક્રમો યોજવા આવી રહ્યા છે, ત્યારે ભુજ ખાતેના તેમના કાર્યક્રમ સ્થળને મંજૂરી નથી મળી. આંબેડકર ભવન ખાતે કચ્છ જિલ્લા સમરસતાના કાર્યક્રમનું આયોજન થયું હતું. સામે દલિત અધિકાર મંચે અહીં જ કાર્યક્રમ યોજવાની મક્કમતા દર્શાવી હતી.
આંબેડકર ભવન ખાતે કચ્છ જિલ્લા સમરસતા કાર્યક્રમનું આયોજન સંજયભાઈ વકિલ દ્વારા કરાયું હતું, ગત ૧૪મી એપ્રિલથી સમરસતા કાર્યક્રમો દેશભરમાં યોજાઈ રહ્યા છે, જેના ભાગરૂપે આંબેડકર હોલ ખાતે સમરસ્તા કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી, પૂર્વ નગરપતિ અશોક હાથી, સુરેશ મહેશ્વરી, રાહુલ ગોર સહિત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે રમેશભાઈ મહેશ્વરીએ આંબેડકર હોલમાં કાર્યક્રમ યોજવા પાછળ ચાલતા વિવાદ સંદર્ભે જણાવ્યું હતુ કે, અમે અગાઉથી મંજૂરી મેળવેલી છે, પૈસા ભરેલા છે. ડો. બાબા સાહેબ આંબેડકરના જન્મ જયંતી વર્ષ નિમિત્તે યોજાતા સમરસતા કાર્યક્રમનું આયોજન અહીં થયું છે, જેમાં ઉદ્દઘાટન સત્ર યોજાયું છે, જયારે બીજુ સત્ર બપોર બાદ યોજાશે તેવું તેવું તેમણે ઉમેર્યું હતું.