અષાઢી બીજે ભુજમાં નીકળેલી રથયાત્રાનો ફલોપ શો…

ભુજ : અષાઢી બીજના પાવન અવસરે ભુજ નૂતન સ્વામીનાયણ મંદિર તેમજ પ્રસાદી મંદિર દ્વારા ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જય જગન્નાથના જયઘોષ સાથે શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થયેલી રથયાત્રામાં હરિભક્તોની સંખ્યા દર વર્ષ કરતા ઘણી ઓછી જોવા મળી હતી. ખાસ કરીને આ રથયાત્રામાં કોઈપણ બહેનો દેખાઈ ન હતી, પરિણામે શહેરીજનોમાં અનેક પ્રકારના તર્ક વિતર્કો વહેતા થયા હતા.
કચ્છી નવા વર્ષની ઉજવણી પ્રસંગે ભુજ સ્વામીનારાયણ મંદિર તેમજ પ્રસાદી મંદિર દ્વારા આયોજીત ભગવાન જગન્નાથની રથયાત્રાને ભુજ સ્વામિનારાયણ મંદિરના મહંત પુરાણી સ્વામી ધર્મનંદનદાસજીના હસ્તે હમીરસર તળાવ નજીક મહાદેવ ગેટ પાસેથી રથયાત્રાને પ્રસ્થાન કરાવાયું હતું. જય રણછોડ માખણચોરના નારા સાથે નિકળેલી આ રથયાત્રામાં અગાઉના વર્ષોની સરખામણીએ હરિભક્તોની પાંખી સંખ્યા જોવા મળી હતી. મહાદેવ નાકાથી નિકળેલી રથયાત્રા ઓલ્ફ્રેડ હાઈસ્કુલ, બસ સ્ટેશન, વાણીયાવાડ, વીડી સર્કલ, જ્યુબિલિ સર્કલ, મોટા બંધ પાસેથી થઈને ભુજના નૂતન સ્વામીનારાયણ મંદિરે સંપન્ન થઈ હતી. આ રથયાત્રામાં બિરાજમાન જગન્નાથજી તેમજ તેમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાના દર્શનાર્થે ભાવિકો ઉમટ્યા હબ પરંતુ આ વર્ષે પ્રથમવાર રથયાત્રામાં કોઈપણ મહિલાઓ જોવા મળી ન હતી. આશ્ચર્ય વચ્ચે રથયાત્રામાં બહેનોની સુચક ગેરહાજરીએ અનેક તર્કવિતર્કો વહેતા કર્યા હતા. ઉલ્લેખનિય છે કે, છેલ્લા લાંબા સમયથી ભુજ સ્વામીનારાયણ મંદિરમાં સાધુના મોબાઈલ ફોન અને લેપટોપમાંથી યુવતિના અભદ્ર ફોટોગ્રાફ્‌સ મળી આવ્યા બાદ ૧૨ જેટલા અન્ય સંતો પર બિભત્સતાના આક્ષેપો ઉઠ્‌યા હતા. તો બે દિવસ પુર્વે જ સાધુ અને યુવતિ દ્વારા થયેલી વોટ્‌સએપ ચેટીંગની વિગતો વાયરલ થતા ફરી પાછી ચકચાર મચી ગઈ છે. વાયરલ થયેલી ચેટીંગની વિગતોમાં ચંદ્રપ્રકાશ સ્વામીને ખોટી રીતે ફસાવાયા હોવાનું પ્રતિત થઈ રહ્યું છે. તેમજ આ ચેટીંગમાં કૃષ્ણ વિહારી સ્વામી અને યુવતિ વચ્ચે અનેક વખત ગલીચ શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો હતો, ત્યારે મંદિરની આ રીતે થયેલી બદનામીને કારણે આજની રથયાત્રામાં મહિલાઓ દેખાઈ ન હતી, તેવી ચર્ચાઓ વહેતી
થઈ હતી.