અલીગંજમાં હનુમાન મંદિર અને આરએસએસ કાર્યાલય ઉડાવાની ધમકી આપનાર ઝડપાયો

(જી.એન.એસ.)અલીગંજ,ઉત્તર પ્રદેશના અલીગંજ ખાતે મોટા હનુમાન મંદિર અને મનકામેશ્વર મંદિરને બોમ્બ વડે ઉડાવી દેવાની ધમકી આપનારા આરોપીની ગુરૂવારે ધરપકડ કરવામાં આવી છે. આરોપી શકીલ મૂળ રીતે દિલ્હીનો રહેવાસી છે. પોલીસને તેના પાસેથી અનેક શંકાસ્પદ પુસ્તકો અને દસ્તાવેજ પણ મળી આવ્યા છે.એસીપી અલીગંજ અખિલેશ સિંહે જણાવ્યું કે, ૨૯ જુલાઈના રોજ અલીગંજ ખાતે આવેલા નવા મોટા હનુમાન મંદિરના એડ્રેસ પર રજિસ્ટર્ડ પોસ્ટ દ્વારા એક ચિઠ્ઠી મોકલવામાં આવી હતી જેમાં શહેરના અનેક મોટા મંદિરોને અને આરએસએસ કાર્યલયને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી.ટેમ્પલ મેનેજમેન્ટે આ અંગે જોઈન્ટ પોલીસ કમિશનર નીલાબ્જા ચૌધરીને ફરિયાદ કરી હતી. જેસીપીએ આ કેસની તપાસ તાત્કાલિક ક્રાઈમ બ્રાંચ અને અલીગંજ પોલીસને સોંપી હતી. અલીગંજ પોલીસે બુધવારે મોડી રાતે આરોપીની પુરનિયા પુલ પાસેથી ધરપકડ કરી હતી. આરોપી મૂળે દિલ્હીનો રહેવાસી છે અને અલીગંજમાં ભાડાના મકાનમાં રહે છે.ચિઠ્ઠી ત્રિવેણી નગર સબ પોસ્ટ ઓફિસ ખાતેથી મોકલવામાં આવી હતી. તેના આધાર પર પોલીસે આજુ બાજુના સીસીટીવી ફુટેજ શોધવાના ચાલુ કર્યા હતા અને શંકાસ્પદ ગતિવિધિના આધારે આરોપીને ઝડપી લીધો હતો.