અયોધ્યા વિવાદ ઉકેલની આરે : અખાડા પરિષદ-શિયા બોર્ડ વચ્ચે સમાધાન

નવી દિલ્હી ઃ અયોધ્યામાં રામ મંદિર-બાબરી મસ્જીદ વિવાદમાં મહત્વની પહેલ થઇ છે. મામલાને ઉકેલવાના પ્રયાસ હેઠળ જારી વાતચીત ગઇકાલે અખિલ ભારતીય અખાડા પરિષદ અને યુપી શિયા વકફ બોર્ડે પરસ્પર સમજુતી પર પહોંચ્યાનો દાવો કર્યો હતો. જેને ટુંક સમયમાં જ સુપ્રિમ કોર્ટમાં સોંપવામાં આવશે. સુપ્રિમ કોર્ટે ૧૧ ઓગષ્ટે કહ્યુ હતુ કે, તે અયોધ્યા વિવાદમાં પ ડિસેમ્બરથી અંતિમ સુનાવણી શરૂ કરશે.યુપી શિયા વકફ બોર્ડના ચેરમેન સૈયદ વસીમ રીઝવીએ જણાવ્યુ છે કે, વકફ બોર્ડ સમજુતીની શરતો અને જોગવાઇઓનું માળખુ તૈયાર કરી રહ્યુ છે. તેમણે ગઇકાલે અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્રગીરી સાથે અલ્હાબાદમાં મુલાકાત કરી હતી. મુલાકાત બાદ તેમણે કહ્યુ હતુ કે, અયોધ્યા શ્રીરામની ભુમિ છે અને ત્યાં રામ મંદિર જ બનશે. ફૈઝાબાદ અને અયોધ્યામાં રહેતા મુસ્લિમો માટે પુરતી મસ્જીદો છે તેથી પરસ્પર સુમેળ સાથે નક્કી થયુ છે કે આ બંને શહેરોમાં નવી કોઇ મસ્જીદ નહી બને. ઘણુ લોહી રેડાઇ ચુકયુ છે. મુલાકાતમાં જન્મભુમિ ન્યાસના અધ્યક્ષ મહંત નૃત્યગોપાલદાસ પણ હાજર હતા.રીઝવીએ કહ્યુ હતુ કે, અખાડા પરિષદ સાથે વાતચીત બાદ તમામ મુદે સહમતી થઇ ગઇ છે તો અખાડા પરિષદના મહંત નરેન્દ્રગીરીએ કહ્યુ છે કે અયોધ્યામાં મસ્જીદ નિર્માણને લઇને જે ગતિરોધ હતો તે દુર થઇ ગયો છે. સુન્ની પક્ષકારોની સહમતીના મુદે ગીરીએ કહ્યુ હતુ કે ઇકબાલ અંસારી સાથે પણ ૧રમી નવેમ્બરે વાતચીત થઇ હતી પરંતુ બેઠકમાં રીઝવી સાથે દલીલ થતા તેઓ ચાલ્યા ગયા હતા
પરંતુ તેમણે પણ આશ્વાસન આપ્યુ છે કે તેઓ મંદિરના મામલે સાથે છે.દરમિયાન શ્રી શ્રી રવિશંકર ૧૬મીએ અયોધ્યા જઇ રહ્યા છે આ દરમિયાન તેઓ આ મામલાના
પક્ષકારો સાથે સીએમ યોગીને પણ મળશે. તેમણે કહ્યુ છે કે અયોધ્યા જેવો મામલો વાતચીતથી જ ઉકેલી શકશે. હું મારી ઇચ્છાથી આ મામલાને ઉકેલવા પ્રયાસ કરી રહ્યો છું.