અમેરિકી પ્રતિબંધથી ઉત્તર કોરિયા બેહાલ

ટોકિયો : પરમાણુ પરીક્ષણને કારણે સંયુક્ત રાષ્ટ્રે લાદેલા પ્રતિબંધોને કારણે ઉત્તર કોરિયાની આર્થિક સ્થિતિ બેહાલ છે. જેના કારણે નેતા કિમ જોંગ-ઉન એ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને વિનંતી કરી છે કે, ‘એ ઉત્તરકોરિયા પર લાગેલા પ્રતિબંધો હટાવવા માટે મદદ કરે.’ આના પ્રત્યુત્તરમાં ચીને શક્ય તમામ મદદ કરવાનું આશ્વસાન ઉત્તર કોરિયાને આપ્યું છે. તાજેતરમાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની મુલાકાત બાદ પણ વાત બનતી ન હોવાનું જણાતા કિમે ચીનની મદદ માગી છે.
‘યોમ્યુરી શિમબુન’ નામના અખબાર અનુસાર, કિમે જિનપિંગને કહ્યું કે, ‘અમને આર્થિક પ્રતિબંધોને કારણે ખૂબ પરેશાની થઈ રહી છે. હવે અમે જ્યારે અમેરિકા-ઉત્તર કોરિયા વચ્ચેની બેઠક સફળ બનાવી છે,તો હું ઈચ્છું છું કે ચીન પ્રતિબંધોને હટાવવામાં મદદ કરે.’. ચીન ઉત્તર કોરિયાનું સૌથી મોટું સહયોગી છે. તાજેતરના મહિનાઓમાં શીતયુદ્ધ દરમિયાન સહયોગી ચીન અને ઉત્તર કોરિયાના સંબંધોમાં આવેલો તણાવ ઓછો કરવાની કોશિશ કરી છે. ઉત્તર કોરિયાના સતત મિસાઈલ પરીક્ષણ પછી ચીન એ સંયુક્ત રાષ્ટ્ર તરફથી લગાવેલા આર્થિક પ્રતિબંધો લાગુ કરી દીધા હતા. કિમે પોતાના પ્રથમ વિદેશ પ્રવાસ માટે પણ પોતાના આર્થિક સહયોગી અને રાજનીતિક રક્ષક ચીનની પસંદગી કરી હતી. અખબારી અહેવાલ અનુસાર કિમ એ પરમાણુ નિશસ્ત્રીકરણ સંદર્ભે અમેરિકા સાથે થઈ રહેલા સંવાદમાં પણ ચીનનું સમર્થન માંગ્યું છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે, કિમ એ ચીનનો ત્રીજો પ્રવાસ એટલે કર્યો હતો કે, એ જિનપિંગને ભરોસો આપી શકે કે વોશિંગ્ટન સાથેની બેઠક બાદ પણ એ ચીનના હિતોને ક્યારેય નજરઅંદાજ કરશે નહીં.