અમેરિકા વધુ પ્રતિબંધ મૂકશે તો અમે આકરો જવાબ આપીશું : ઉ. કોરિયા

ટોક્યોઃ ઉત્તર કોરિયાના છઠ્ઠા પરમાણુ પરીક્ષણના વિરોધમાં અમેરિકાએ સંયુક્ત રાષ્ટ્રસંઘની સુરક્ષા પરિષદમાં વધુ પ્રતિબંધો મૂકવાની રજૂઆત કરી હતી. તેને સંયુક્ત રાષ્ટ્રસંઘે સ્વીકારી લીધી છે. એટલે ઉત્તર કોરિયાએ એ અંગે અમેરિકાને નવેસરથી ધમકીઓ આપી છે. ઉત્તર કોરિયાની સરકારી સમાચાર એજન્સીએ વિદેશ મંત્રીને ટાંકીને એક અહેવાલ રજૂ કર્યો હતો. જેમાં વિદેશ મંત્રીએ કહ્યું હતું કે જો અમેરિકાના પ્રસ્તાવ પ્રમાણે ઉત્તર કોરિયા ઉપર વધુ પ્રતિબંધ મૂકવામાં આવશે તો અમે તેનો વધારે આકરો જવાબ આપીશું. ઉત્તર કોરિયન વિદેશ મંત્રીએ કહ્યું કે જો અમેરિકાએ મૂકેલા પ્રસ્તાવ પ્રમાણે આકરામાં આકરા પગલાં ભરાશે તો તેની કિંમત અમેરિકાએ જ ચૂકવવી પડશે. ઉત્તર કોરિયાએ કહ્યું હતું કે જવાબી કાર્યવાહીમાં કોઈ પણ હદ સુધી જઈ શકે છે અને એ માટે જવાબદાર અમેરિકા હશે. અમેરિકાએ એવી પીડા સહન કરવી પડશે કે જેવી અત્યાર સુધીમાં અગાઉ ક્યારેય સહન કરવી પડી નહીં હોય. અમેરિકા આત્મરક્ષણના બહાને ઉત્તર કોરિયા ઉપર દબાણ બનાવે છે તે અયોગ્ય છે અને જો સતત આવું થશે તો ઉત્તર કોરિયા મિસાઈલ હુમલો પણ કરતા ખચકાશે નહીં એવું એ સમાચાર એજન્સીના અહેવાલમાં કહેવાયું હતું.