અમેરિકા પર ભરોસો ના કરે ઉત્તર કોરિયાઃ ઈરાન

નવી દિલ્હી : ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ-ઉન સાથે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કરેલી મુલાકાત પર વિશ્વભરની નજર હતી.હાલ વિશ્વના દેશો આ મુલાકાત પર પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કેટલાક દેશોએ આ મુલાકાતનું સ્વાગત કર્યું છે, તો કેટલાક દેશોએ આ મુલાકાતને લઈને પોતાની ચિંતાઓ જાહેર કરી છે. ઉત્તર કોરિયાના જ પાડોશી દેશ કે જેમના વર્ષોથી અમેરિકા સાથે સારા સંબંધ રહ્યા છે તે દક્ષિણ કોરિયાએ આ મુલાકાતનું સ્વાગત કર્યું છે. દક્ષિણ કોરિયાએ કહ્યું કે આ મુલાકાતથી શાંતિ અને પરસ્પર સહયોગનો એક નવો અધ્યાય શરૂ થયો છે. પરંતુ તેને ટ્રમ્પની એ જાહેરાતથી હેરાનગતિ થઈ કે અમેરિકાએ દક્ષિણ કોરિયા સાથે સંયુક્ત સૈન્ય અભ્યાસ ખતમ કરી દીધો છે. આ ઉત્તર કોરિયાની મુખ્ય માગ હતી. ચીને કહ્યું છે કે બંને નેતાઓની મુલાકાતથી ઉત્તર કોરિયા વિરુદ્ધ લાગેલા પ્રતિબંધો હળવા કરવાનો રસ્તો સાફ થશે. ઈરાને આ મુલાકાત પર પોતાની કડક પ્રતિક્રિયા આપી છે. તેણે કહ્યું કે ઉત્તર કોરિયાએ અમેરિકા પર ભરોસો ના કરવો જોઈએ. રાષ્ટ્રપતિ ટ્રમ્પ ઈરાન સાથે કરવામાં આવેલી અણુસંધિ તોડી ચૂક્યા છે. રશિયાએ પણ આવા જ પ્રકારની ચેતવણી આપી છે, જ્યારે જાપાને આ મુલાકાતને એક શરૂઆત ગણાવી છે. દક્ષિણ કોરિયામાં બ્રિટનના રાજદૂત રહેલા વારવિક મોરિસે કહ્યું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ-ઉને જે દસ્તાવેજો પર સહી કરી છે તેમાં સ્પષ્ટતા ઓછી છે. ઉપરાંત તેમણે કહ્યું કે બંને મળ્યા એ જ મોટી વાત છે.અમેરિકાની સેનેટમાં ડેમોક્રેટિક પાર્ટીના નેતા ચક શૂમરે કહ્યું છે કે કિમ જોંગ-ઉન સાથે રાષ્ટ્રપતિ ટ્રમ્પની મુલાકાત ત્યારે સફળ થશે જ્યારે કોઈ નક્કર પરિણામ જોવા મળશે.બીજી તરફ એક વરિષ્ઠ રિપબ્લિકન સેનેટર લિંડસે ગ્રાહમે કહ્યું કે ઉત્તર કોરિયા દ્વારા ચીન, અમેરિકા સાથે રમત રમવાની કોશિશ કરી રહ્યું છે.