અમેરિકા ટુંકમાં સિરિયા અંગે મોટો નિર્ણય લેશે

વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે અમેરિકા ૨૪ થી ૪૮ કલાકની અંદર સિરિયા અંગે મોટો નિર્ણય કરશે. આ અગાઉ પણ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે તેઓ સિરિયામાંથી પોતાના સૈનિકો પાછા ખેંચવા માગે છે, પરંતુ તાજેતરમાં દમિશ્ક પાસેના સિરિયન સેનાના કેમિકલ હુમલા બાદ હવે ડોનાલ્ડ ટ્રમ્પનો મૂડ બદલાઈ ગયો. એવું માનવામાં આવે છે કે ગઈ સાલની જેમ જ આ સાલ પણ ડોનાલ્ડ ટ્રમ્પ મિસાઈલ હુમલાનો આદેશ કરી શકે છે.અત્રે ઉલ્લેખનીય છે કે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે સિરિયાના નિર્દોષ નાગરિકો પર જઘન્ય હુમલાની સખત શબ્દોમાં ઝાટકણી કાઢી છે. આ હુમલાના થોડા સમય બાદ ડોનાલ્ડ ટ્રમ્પે સિરિયાના પ્રમુખ અસદને જાનવર ગણાવીને તેની કિંમત ચૂકવવા તૈયાર રહેવાની ધમકી આપી હતી. ગઈ સાલ પણ આ પ્રકારના હુમલા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે ત્રણ દિવસની અંદર સિરિયાના એ એરબેઝ પર ક્રૂઝ મિસાઈલ છોડી હતી કે જ્યાંથી હુમલા કરવામાં આવ્યા હતા.કેમિકલ એટેકના મામલે ડોનાલ્ડ ટ્રમ્પે સિરિયાની સરકારને સમર્થન આપવા માટે ઈરાન અને રશિયા સામે પણ નિશાન તાક્યું હતું. તેમણે ટિ્‌વટમાં લખ્યું હતું કે મોટી કિંમત ચૂકવવી પડશે.