અમેરિકામાં આંકડા નબળા આવતાં વૈશ્વિક બજારમાં સોના ના ભાવમાં વધારો

(જી.એન.એસ), મુંબઇ, મુંબઈ અને અમદાવાદમાં ઝવેરી બજારમાં બંધ ભાવ આવ્યા પછી અમેરિકૉના જોબગ્રોથના આંકડા બહાર પડયા હતા અને તેના પગલે વિશ્વ બજારમાં આવેલી તેજીના પગલે ઘરઆંગણાના ઝવેરી બજારોમાં શનિવારે (આજે) સોના-ચાંદીના ભાવ ઉંચા ખુલવાની શક્યતા બજારના જાણકારો બતાવી રહ્યા હતા. અમદાવાદ બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના ૯૯.૫૦ના રૂ.૪૮૭૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૪૮૯૦૦ રહ્યા હતા. જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૬૫૦૦૦ રહ્યા હતા. મુંબઈ બજારમાં આજે જીએસટી વગર સોનાના ભાવ ૯૯.૫૦ના રૂ.૪૭૦૫૭ તથા ૯૯.૯૦ના રૂ.૪૭૨૪૬ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ આજે જીએસટી વગર રૂ.૬૩૪૭૫ રહ્યા હતા. અમેરિકામાં ઓગસ્ટમાં નોંધાયેલી જોબગ્રોથ પાછલા ૭ મહિનાની સૌથી નબળી જોબવૃદ્ધી ડેલ્ટાના પગલે થઈ હોવાનું વિશ્વ બજારના જાણકારોએ જણાવ્યું હતું. ક્રૂડતેલના ભાવ આજે વિશ્વ બજારમાં વધુ વધી બ્રેન્ટ ક્રૂડના બેરલના ૭૩ ડોલરની સપાટી કુદાવી ૭૩.૬૦ ડોલર રહ્યા હતા જ્યારે ન્યુયોર્ક ક્રૂડના ભાવ વધી ૭૦.૪૫ ડોલર રહ્યાના સમાચાર હતા. અમેરિકામાં સ્ટોક ઘટયાની ચર્ચા હતી.મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવ બેતરફી વધઘટે અથડાતા રહ્યા હતા. જોકે વિશ્વ બજારમાં મોડી સાંજે સોનાના ભાવ ઝડપી ઉછળ્યાના સમાચાર હતા. અમેરિકામાં ઓગસ્ટના જોબગ્રોથના આંકડા ૭ લાખ ૨૮ હજાર આવવાની અપેક્ષા હતી પરંતુ હકીકતમાં તેની સામે આજે મોડી સાંજે બહાર પડેલા સત્તાવાર આંકડા માત્ર ૨ લાખ ૩૫ હજારનો જોબગ્રોથ બતાવી રહ્યા હતા અને આમ ત્યાં જોબગ્રોથ ઘટતાં વિશ્વ બજારમાં સોનામાં ફંડોની લેવાલી સાંજે ઓચિંતી વધી ગઈ હતી. તેના પગલે સોનાના વૈશ્વિક ભાવ ઔંશના ૧૮૧૨થી ૧૮૧૩ ડોલરવાળા ઉછળી ઉંચામાં ૧૮૨૬થી ૧૮૨૭ થઈ ૧૮૨૧થી ૧૮૨૨ ડોલર રહ્યાના સમાચાર હતા. વિશ્વ બજારમાં સોના પાછળ ચાંદીના ભાવ પણ ઔંશના ૨૪.૦૮થી ૨૪.૦૯ ડોલરવાળા વધી ૨૪.૨૮થી ૨૪.૨૯ થઈ ૨૪.૧૮થી ૨૪.૧૯ ડોલર રહ્યા હતા.