અમેરિકાને સંતુષ્ટ કરવાનું કામ અમારું નથીઃ પાક

નવી દિલ્હીઃ અમેરિકાને સંતુષ્ટ કરવું એ ઇસ્લામાબાદનું કામ નથી એમ પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાને બુધવારે જણાવીને કહ્યું હતું કે, ‘મારી સરકાર વાશિંગ્ટન સાથેના સંબંધોની પુનઃ આકારણી કરી રહી છે’ એમ પાકિસ્તાની માધ્યમોએ તેમના અહેવાલમાં જણાવ્યું હતું. ‘અમે પુરાવા સાથે અમારો ઉદ્દેશ તાર્કિક રીતે જણાવવા માગીએ છીએ. અમે અમારી સ્થિતિની જાણ કરીશું. પણ તે તેમને સંતુષ્ટ કરવા માટે નહીં’ એમ પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખુર્રમ દસ્તગીર ખાને જણાવ્યું હતું. પાકિસ્તાન ત્રાસવાદનું સલામત સ્થળ છે અને તેને તેનાં યજમાન બનવાનું પસંદ છે એમ કહીને ગયે મહિને અમેરિકાના પ્રમુખે પાકિસ્તાનની ટીકા કરી હતી, તેનાં પરિણામે અમેરિકા સાથેના સંબંધોની પુનઃઆકારણી કરવાનું તેમણે જણાવ્યું હતું. પાકિસ્તાન અફઘાનિસ્તાન સહિત બીજાં દેશોમાં ત્રાસવાદ ફેલાવે છે એમ ટ્રમ્પે જણાવી પાકિસ્તાન જો આ ત્રાસવાદ ખતમ નહીં કરે તો તેમને  અપાનારી સહાય મોકૂફ રાખવામાં આવશે એવી ટ્રમ્પે ચેતવણી ઉચ્ચારતા ઇસ્લામાબાદ ગંભીર રીતે મૂંઝવણમાં મુકાયું છે. ‘આ વિસ્તારમાંની જે પરિસ્થિતિ છે એ પાકિસ્તાન માટે  પડકારજનક છે, કેમ કે અમેરિકા તેનાં લક્ષ્યાંક સતત બદલતું રહે છે. જો કે, તેમણે આ ફેરફાર અંગે ખુલાસો કર્યો નહોતો.’ ભારત તરફથી ઝળૂંબી રહેલા ખતરાનો સામનો પાકિસ્તાન કરી રહ્યું છે. પણ અમેરિકાએ એ અંગે એક શબ્દ ન ઉચ્ચારતાં ખાન નિરાશ થયા હતા. ‘અમને ભારત તરફથી જે જોખમ છે તેને અમેરિકા નકારી ન શકે. આ એક ખૂબ જ ગંભીર બાબત છે’ એમ સંરક્ષણ પ્રધાને વધુમાં જણાવ્યું હતું. ‘અમેરિકા, ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે જે જોડાણ થયું છે, એ પાકિસ્તાન માટે જોખમી છે’ એમ તેમણે કહ્યું હતું.‘અમેરિકાને બધી જ વાતની જાણ છે, પણ અમે જે જોખમનો સામનો કરી રહ્યા છીએ તેની તે અવગણના કરી રહ્યું છે અને તે તેના વ્યૂહાત્મક હિતોને કારણે આવું કરી રહ્યું છે,’ એમ ખાને કહ્યું હતું. પાકિસ્તાને અમેરિકા સાથેના સંબંધોની પુનઃઆકારણી કરવાના પગલે જ દ્વિપક્ષી વાટાઘાટ અને અમેરિકાની મુલાકાતે જવાનું મોકૂફ રાખ્યું હતું. અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે પાકિસ્તાન અંગે હાલમાં જે જણાવ્યું છે, તેનાં વિરોધ રૂપે આ પગલું ભરવામાં આવ્યું છે, એમ ‘ડાન’ અખબારને સરકારના ટોચના સાધનોએ જણાવ્યું હતું. પાકિસ્તાન વિદેશ પ્રધાન ખ્વાજા મોહંમદ આસિફે પણ ગયા મહિને અમેરિકાના વિદેશ પ્રધાન રૅક્સ ટિલરસન સાથે વાશિંગ્ટનમાં થનારી તેમની મુલાકાત મોકૂફ રાખી હતી. આસિફ અત્યારે ન્યૂ યોર્કમાં સંયુક્ત રાષ્ટ્રસંઘની સામાન્ય સભા માટે ગયા છે. ડાન અખબારે એવી આશા વ્યક્ત કરી છે કે તેમની આ મુલાકાત દરમિયાન તેઓ ટિલરસનને મળશે.