અમેરિકાનું અર્થતંત્ર વધુ જોમવંતુ બનવાની ટ્રમ્પની ટીમની આગાહી

શેરબજાર વિક્રમજનક ઊંચાઇએ આગળ વધતું હોવાનો દાવો

 

વૉશિંગ્ટનઃ અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે દેશનું અર્થતંત્ર વધુ જોમવંતુ બનવાની અને તેનફો અમેરિકાના નાગરિકોને લાભ થવાની આગાહી કરી હતી. દરમિયાન, કેટલાક અર્થશાસ્ત્રી અમેરિકાનું અર્થતંત્ર આગામી વર્ષોમાં ધીમું પડવાની શક્યતા વ્યક્ત કરી રહ્યા છે. ટ્રમ્પના મુખ્ય આર્થિક સલાહકાર લેરી કડલોએ પ્રધાનમંડળની ગુરુવારની બેઠકમાં જણાવ્યું હતું કે અમુક લોકો અમેરિકાનું અર્થતંત્ર વધુ ઝડપથી પ્રગતિ કરવાની શક્યતા નથી જોતા, પરંતુ તેઓની આ ધારણા ખોટી છે. ડોનલ્ડ ટ્રમ્પે ગયા વર્ષે પ્રમુખપદ સંભાળ્યું તેની પહેલાં પ્રમુખ બરાક ઓબામાના શાસનમાં અમેરિકાના અર્થતંત્રમાં સતત સાત વર્ષ વધારો થયો હતો અને ત્યાર બાદ તે સ્થિર થયું હતું. અમેરિકામાં રોજગારીની તકમાં વધારો થઇ રહ્યો હોવાનો, શેરબજાર નવી વિક્રમજનક ઊંચાઇ ભણી આગળ વધી રહ્યું હોવાનો અને અનેક કંપનીના નફામાં ભારે વધારો થઇ રહ્યો હોવાનો દાવો કરાય છે. અમેરિકાનું અર્થતંત્ર ચાલુ વર્ષે ફરી વેગવંતુ બન્યું છે અને તેનો વાર્ષિક વિકાસદર છેલ્લાં ચાર વર્ષમાં સૌથી વધુ છે. આ ઉપરાંત, અમેરિકામાં રોજગારીની તક ૨૦૧૭ની સરખામણીમાં વધી છે. કેટલાક અર્થશાસ્ત્રી અમેરિકાના આર્થિક વિકાસદરમાં વધારો ચાલુ રહેવાની આશા નથી રાખતા અને માને છે કે ટ્રમ્પે કરવેરામાં મૂકેલી કપાત અને સરકારી ખર્ચમાંના ૩૦૦ અબજ ડૉલરના વધારાથી થનારો લાભ ધીમે ધીમે ઓછો થશે.