અમેરિકાએ પાકિસ્તાનની મુશ્કેલી વધારી

વોશિગ્ટન : અમેરિકાએ પાકિસ્તાનને ગ્લોબલ ટેરરિસ્ટ ફાઇનાન્સિગ વોચ લિસ્ટમાં નાખવા માટે એક બિલ પસાર કર્યું છે. પાકિસ્તાનના એક સીનિયર ઓફિસરે આ અંગે જાણકારી આપી છે. પાકિસ્તાને પાછલા કેટલાક સમયથી તેવા કોઇ પગલાં નથી લીધા જેનાથી આંતકવાદને રોકી શકાય. આ કારણે તે ફાઇનેંશિયલ એક્શન ટાસ્ક ફોર્સના નિયમોનું ઉલ્લંધન કરતો હોય તેમ જાણવા મળ્યું છે. જેના લીધે હવે તેને આ લિસ્ટમાં નાંખવામાં આવી રહ્યું છે. અને આ માટે અમેરિકામાં એક બિલ પણ રજૂ કરવામાં આવ્યું છે. અમેરિકાના આ પગલાંથી આવનારા સમયમાં પાકિસ્તાનની મુશ્કેલી વધી શકે તેમ છે તે વાતમાં કોઇ બે મત નથી. ઉલ્લેખનીય છે કે અમેરિકા પહેલા જ તે વાત સ્પષ્ટ કરી ચૂક્યું છે કે તે પાકિસ્તાન વિરુદ્ધ આવનારા સમયમાં કડક પગલાં ભરી શકે છે. વધુમાં પાકિસ્તાન તરફથી જવાબી પ્રહારને જોતા અમેરિકાએ પાકિસ્તાનને સીધું કરવાનો મનસુબો બનાવી લીધો છે.પાકિસ્તાન ઇસ્લામિક આંતકીઓની વિરુદ્ધ સખત પગલાં લેવામાં અસફળ રહી છે તેવું અમેરિકાનું માનવું છે. અને આ માટે જ અમેરિકા અને તેના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ આ મામલે કડક પગલાં ઉઠાવી રહ્યા છે. વળી હાલ ભારત અને અમેરિકાના સંબંધો પણ અલગ સ્તરે થયા છે. જેના કારણે પણ પાકિસ્તાનની મુશ્કેલીઓ વધી છે. ટાસ્ક ફોર્સના સદસ્યોની એક મીટિંગ ગત અઠવાડિયે ફ્રાંસની રાજધાનીમાં મળવાની છે. જ્યાં પાકિસ્તાન વિરુદ્ધ કાર્યવાહી કરવા મામલે પણ ચર્ચા વિચાર કરવામાં આવશે તેમ મનાઇ રહ્યું છે.
પાકિસ્તાનના નાણાં મંત્રી મિફ્તાહ ઇસ્માઇલે જણાવ્યું છે કે અમેરિકા અને બ્રિટન બંનેની તરફથી આ બિલ કેટલાક સપ્તાહ પહેલા રજૂ કરવામાં આવ્યું હતું. વધુમાં હવે જર્મની અને ફ્રાંસ પણ આ વાતના સમર્થનમાં આવ્યા છે.ઇસ્માઇલે આ બિલ પસાર કર્યા પછી આ બિલને પાછું લેવા માટે અમેરિકા, બ્રિટન, જર્મની અને ફ્રાંસને અપીલ કરી છે. નોંધનીય છે કે આ પહેલા વર્ષ ૨૦૧૨ થી ૨૦૧૫ સુધી તે એફએટીએફની વોચલિસ્ટમાં રહી ચૂક્યું છે. એફએટીએફ પેરિસ સ્થિત એક આંતરાષ્ટ્રીય સરકારી સંસ્થા છે. આ સંસ્થા ગૈર કાનૂની આર્થિક મદદને રોકવા માટે કાર્યરત છે. આ સંસ્થા પહેલા પણ પાકિસ્તાનને આ અંગે ચેતવણી આપી ચૂક્યું છે. અને તેને આતંકી સાથે જોડાયેલી સંસ્થાઓ પર નાણાંકીય કાર્યવાહી કરવાની માંગણી કરી ચૂક્યું છે.