અમિતભાઇની ડેમેજ કંટ્રોલની કવાયત પછી’યે કચ્છ ભાજપનો આંતરીક ઘુંઘવાટ યથાવત

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇએ ભુજ એરપોર્ટ પર કચ્છ ભાજપના મોવડીઓ સાથે બેઠક યોજયા પછી’યે જૈ સે થેની પરિસ્થિતી કેસરીયા ગઢના કાંગરા ખેરવી શકે છે

ભુજ ઃ વર્તમાન ર૦૧૭ ની ચૂંટણીએ ભાજપની સામે જાહેર અને આંતરીક એમ બે પડકારો સજર્યા છે. કચ્છની જ વાત કરીએ તો જાહેર પડકારમાં પ્રજાનું જન સમર્થન અને આંતરીક પડકારમાં જૂથ બંધી એમ બે પડકારો ભાજપ સામે છે. કચ્છ જિલ્લાની છ બેઠકોની રાજકીય સમીક્ષાની ચર્ચા દરમ્યાન ર૦૧ર નું પુનરાવર્તન એટલે કે પ બેઠક ભાજપ અને ૧ બેઠક કોંગ્રેસ (પ-૧)નું સમીકરણ રહેશે કે પછી ર૦૦ર નું પુનરાવર્તન ર બેઠક ભાજપ પાસે અને ૪ બેઠક કોંગ્રેસ પાસે (ર-૪) નું સમીકરણ રહેશે. એ વાત લોકોમાં મુખ્ય મુદો બન્યો છે. જો કે, ભુજા, અંજાર, અબડાસા, ગાંધીધામ અને રાપર એ પાંચ બેઠકો ઉપર ભાજપનો આંતરીક ઘુંઘવાટ ચરમસીમાએ છે. ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહે બે દિવસ પહેલાં જ રવિવારે રાત્રે કચ્છ ભાજપના મોવડીઓ સાથે બેઠક યોજીને આંતરીક મતભેદ ભૂલાવી એક થઇ ચૂંટણી જીતવા ઉપર ભાર મુકયો છે. પરંતુ ભાજપના નેતાઓ આ વખતે એક બીજાને ‘બતાવી’ દેવાના મુડમાં છે.
ડેમેજ કંટ્રોલની કવાયત અને બહારથી મુકાયેલા ચૂંટણી ઇન્ચાર્જ ભાજપના નેતાઓને પણ દાદ નહીં આપતા કચ્છ ભાજપના આગેવાનો ‘હિસાબ સરભર’ કરવાના પ્રયાસો કરી રહ્યા છે. જે કેસરીયા ગઢના કાંગરા ખેરવી શકે છે.