અમારી પાસે હથિયારોની અછત, રાફેલ વિમાનોથી મળશે મજબૂતી : વાયુસેના ચીફ ધનોઆ

નવી દિલ્હીઃ રાફેલ ડીલ પર પર પહેલીવાર ભારતીય વાયુસેનાનું અધિકૃત નિવેદન આવ્યું છે. રાફેલ ડીલ અંગે ભારતીય વાયુસેના પ્રમુખ એરચીફ માર્શલ બીએસ ધનોઆએ મોદી સરકારનું સમર્થન કર્યું છે. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકાર અમને રાફેલના લડાયક વિમાન ઉપલબ્ધ કરાવી રહી છે. આ વિમાનો દ્વારા અમે આજની મુશ્કેલીઓનો સામનો કરી શકીશું. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ સહિત આખો વિપક્ષ છેલ્લા કેટલાક સમયથી કેન્દ્રની મોદી સરકારને ઘેરી રહ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સંરક્ષણમંત્રી નિર્મલા સીથારામન પર દેશ સમક્ષ ખોટું બોલવાના અને ડીલમાં ભ્રષ્ટાચાર કરવાનો આરોપ લગાવ્યો છે.
બુધવારે દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન ભારતીય વાયુસેના પ્રમુખ ધનોઆએ કહ્યું કે આજે દુનિયામાં બહુ ઓછા એવા દેશ છે જે આપણા જેવી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. અમારી બંને તરફ પરમાણુ શક્તિવાળો દેશ છે. પ્રમુખે કહ્યું કે આજે અમારી પાસે કુલ ૩૧ સ્ક્વૉડ છે, પરંતુ ૪૨ સ્ક્વૉડની જરૂર પડે છે. ૪૨ સ્ક્વૉડ પણ જો મળી જાય તો પણ બંને તરફની જંગ લડવી સરળ નહીં હોય.