અમર-શિવપાલ નવા રાજકીય પક્ષની રચના કરી શકે

નવી દિલ્હી : ઉદ્યોગ અને રાજકારણ ક્ષેત્રે ચર્ચાસ્પદ અમર સિંહ, લોકસભાની ચૂંટણી
પહેલાં મુલાયમ સિંહ યાદવના ભાઈ શિવપાલ સાથે મળીને પોતાના રાજકીય પક્ષની રચના કરી શકે છે. ઉત્તર પ્રદેશના સપાના અનેક નેતાઓનું કહેવું છે કે નવા રાજકીય પક્ષની રચના કરીને તેઓ અખિલેશ યાદવને પાઠ ભણાવીને તેમના પક્ષના મતો ખેંચી લેવાનું કામ કરશે. ૨૦૧૪માં લોકસભાની ચૂંટણીમાં રાજ્યની જે લોકસભાની સીટ પર સપા પહેલા અને બીજા નંબરે હતી, બસપ બીજા નંબરે હતી એ સિટો પર અમર-શિવપાલનો પક્ષ પોતાના ઉમેદવારો ઊભા રાખીને પ્રચાર અને ખર્ચા કરીને ઉક્ત બંને પક્ષના ઉમેદવારોને હરાવવાની કામગીરી કરશે.
કહેવાય છે કે સત્તા પક્ષના એક મોટા નેતા સાથે હરિયાણામાં એક સ્થળે બંનેએ ગુફ્‌તગુ કરી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હાલમાં લખનઊમાં એક સમારંભમાં જ્યારથી અમરસિંહનાં વખાણ કર્યાં ત્યારથી ઘણાં રાજકારણીઓની અમરસિંહની હિલચાલમાં ઉત્સુકતા વધી ગઈ છે.