અમરસન્સ પરિવારના મોભી ૭૬ વર્ષના જવેરબેન વોરાએ દીક્ષા ગ્રહણ કરી

ભુજ : મુંબઈના જાણીતા અમરસન્સ પરિવારનાં મોભી ૭૬ વર્ષના જવેરબેન ડુંગરશીભાઈ વોરાએ કચ્છના મુંદરા તાલુકાના નવીનાળ ગામમાં આઠ કોટી મોટી પક્ષ સ્થા. જૈન સંઘના જીવદયાપ્રેમી મુનિ જિતેન્દ્રમુનિના હસ્તે દીક્ષા ગ્રહણ કરી હતી. દીક્ષા ગ્રહણ કર્યા બાદ જવેરબેનનું નામ જૈનોના નવમાં તિર્થંકર સુવિધિનાથના નામે સુવિધિબાઈ મહાસતી બન્યા હતા. નાનપણથી જ ધર્મમય અને સાદગીભર્યું જીવન જીવી રહેલા જવેરબેનને વર્ષો પહેલાં તેમના પિતા અનશન વ્રતધારી પૂજ્ય માલશીસ્વામીના જીવનમાંથી પ્રેરણા લઈને સંયમમાર્ગે જવાના કોડ જાગ્યા હતા. જાેકે તેમના પરિવારમાં તેમનો નાનો પુત્ર નિમેશ માનસિક રીતે અક્ષમ હોવાથી જવેરબેનના માથે નિમેશની જવાબદારી હતી. નિમેશની સંપૂર્ણ સારસંભાળ જવેરબેન જ કરતાં હતાં. થોડા સમય પહેલાં તેમના પતિ ડુંગરશી ભાઈ વોરાએ અનશન વ્રત લેતાં જવેરબેન ડુંગરશીભાઈની સેવામાં વ્યસ્ત હતાં. આથી જવેરબહેનને ઘણા વર્ષોથી સંયમમાર્ગે જવાના કોડ હોવા છતાં સાદગીભર્યા જીવન સાથે પહેલાં તેમની જે જવાબદારી હતી એ નિભાવવાને અગ્રતા આપી હતી. કોરોના મહાબિમારીને ધ્યાનમાં રાખીને સાદગીપૂર્વક દીક્ષા કાર્ય પૂર્ણ થયુ હતું.  આ પ્રસંગે કશળ કાર્યવાહક પ.પૂ. તારાચંદમુનિ આદિ સાધુ ભગવંતો અને શાંતસવભાવી પૂ.તારામતીબાઈ મહાસતીજી આદી સાધ્વી ભગવંતો હાજર રહી નુતનદીક્ષાર્થી જવેરબેન ને સંયમ જીવનના આર્શીવાદ આપ્યા હતા. અતિથીવિશેષ પદે પૂર્વ રાજયમંત્રી તારાચંદભાઈ છેડા, પ્રેમચંદભાઈ મારૂ,  વિનોદભાઈ મહેતા, ગામના સરપંચશ્રી અને જૈન આગેવાનો ઉપસ્થિત રહયા હતા. સંચાલનઉત્તમભાઈ છેડાએ કર્યું હતું.  સ્વાગત પ્રવચન તથા આભારવિધી નવીનાળ આઠ કોટી મોટી પક્ષ સ્થા. જૈન સંઘના પ્રમુખે કરી હતી.