અમદાવાદ-રાજકોટ સેમી હાઇસ્પિડ ટ્રેનને ૨૨૦ કિમી પ્રતિ કલાકે દોડાવાની કેન્દ્રની લીલીઝંડી

(જી.એન.એસ.)ગાંધીનગર,મુખ્યમંત્રી વિજય રૂપાણીના ડ્રીમ પ્રોજેક્ટ અમદાવાદ-રાજકોટ સેમી હાઇસ્પિડ રેલ પ્રોજેક્ટમાં કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ભારતીય રેલવેના સંપૂર્ણ સહયોગની ખાતરી આપી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે ગાંધીનગરમાં કેન્દ્રીય રેલવે મંત્રીએ ફળદાયી બેઠક યોજી હતી.શુક્રવારે ગાંધીનગર રેલવે સ્ટેશન તેમજ અન્ય રેલવે પ્રોજેક્ટના પ્રધાનમંત્રીના હસ્તે થયેલા વર્ચ્યુઅલ લોકાર્પણમાં ગાંધીનગરથી પ્રત્યક્ષ સહભાગી થવા રેલવે મંત્રી ગુજરાતની મુલાકાતે હતા અને મુખ્યમંત્રી નિવાસ સ્થાને મુખ્યમંત્રી સાથે બેઠક યોજી હતી. રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્રના ૧૧ જિલ્લાઓની આ સેમી હાઇસ્પિડ રેલ માર્ગ અમદાવાદ સાથેની કનેક્ટિવિટી વધુ સુવિધાપૂર્ણ, ઝડપી, માર્ગપરના ટ્રાફીકને હળવો કરનારી અને પર્યાવરણ પ્રિય ટ્રાન્સપોર્ટેશનને વેગ આપનારી બનશે.અમદાવાદ-રાજકોટ વચ્ચેનું ૨૨૫ કિમીનું અંતર આ સેમી હાઇસ્પિડ રેલની ૨૨૦ કિમી પ્રતિકલાકની ઝડપના પરિણામે બે કલાકથી પણ ઓછા સમયમાં પુરૂ થશે. આ પ્રોજેક્ટના ડીપીઆર વેસ્ટર્ન રેલવે દ્વારા તૈયાર કરીને ભારત સરકારના રેલ મંત્રાલયને મોકલી આપવામાં આવ્યા છે તે પણ નિર્ણાયક આખરી તબક્કામાં છે. આ સેમી હાઇસ્પિડ રેલ પ્રોજેક્ટ શરૂ થતા રાજકોટ સૌરાષ્ટ્રના લોકો ઝડપથી અમદાવાદ આવીને અને ભવિષ્યમાં અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન શરૂ થતા એક જ દિવસમાં સવારથી સાંજ સુધીમાં સૌરાષ્ટ્રથી મુંબઇ જઇને પરત આવવાની સગવડ મેળવી શકશે.રેલવે મંત્રાલય દ્વારા આ હેતુસર મળી રહેલા સહયોગ માટે પણ મુખ્યમંત્રીએ રેલ મંત્રાલયનો આભાર વ્યક્ત કર્યો હતો. રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવે પણ ગુજરાતના આ મહત્વકાંક્ષી અને મુખ્યમંત્રીના ડ્રીમ પ્રોજેક્ટ વેળાસર પૂર્ણ થાય તે માટે તેમના મંત્રાલય તરફથી જરૂરી યોગ્ય મદદ-સહાયની ખાતરી આપી હતી.