અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનની ટિકિટ ૨૫૦થી ૩૦૦૦ વચ્ચે રહેશે

મુંબઈ : અમદાવાદથી મુંબઈ વચ્ચે દોડનારી પ્રસ્તાવિત બુલેટ ટ્રેનનું ભાડું ૨૫૦ રૂપિયાથી લઈને ૩૦૦૦ રૂપિયા સુધીનું રહેશે. બે સ્ટેશનો વચ્ચેના અંતરને આધારે આ ભાડું રહેશે. આમ, અમદાવાદથી મુંબઈનું ભાડું ૩૦૦૦ રૂપિયા હશે. સૌથી ઓછું ૨૫૦ રૂપિયા ભાડું બાંદ્રા-કુર્લા-કોમ્પ્લેક્સ અને થાણે વચ્ચે રહેશે. મોદી સરકારના મહત્ત્વાકાંક્ષી આ પ્રોજેક્ટના ભાડાંની સૌપ્રથમવાર સત્તાવાર રીતે વિગત જાહેર કરવામાં આવી છે. નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અચલ ખરેએ આ માહિતી આપતા કહ્યું હતું કે વર્તમાન અંદાજ અને ગણતરીને આધારે આ ભાડું જાહેર કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે અમદાવાદથી મુંબઈનું બુલેટ ટ્રેનનું ભાડું ૩૦૦૦ રૂપિયા રહેશે. બુલેટ ટ્રેનમાં એક બિઝનેસ ક્લાસ પણ રહેશે, જેનું ભાડું ૩૦૦૦ રૂપિયાથી પણ વધારે રહેશે. ખરેએ કહ્યું કે બુલેટ ટ્રેનની મુસાફરી વિમાનની મુસાફરી કરતાં પરવડે તેવી હશે. એટલું જ નહીં, વિમાનમાં મુસાફરી માટે એરપોર્ટ સુધી જવાનું, ર્બોડિંગ પાસ મેળવવા, સિક્યુરિટી ચેકમાંથી પસાર થવાનું, વગેરે બાબતોને ગણતરીમાં લઈએ તો તેના કરતાં બુલેટ ટ્રેનમાં સમય પણ ઓછો જશે. જાપાનીઝ કમ્પોનન્ટ્‌સનો વધારે ઉપયોગ કરાશે તેવા અહેવાલોને બકવાસ ગણાવીને ખરેએ કહ્યું હતું કે માત્ર ૧૮.૬ ટકા કમ્પોનન્ટ્‌સ જ જાપાનીઝ રહેશે. જાપાનનું યોગદાન અમદાવાદ-વડોદરા વચ્ચે કોરિડોર સ્થાપવા અને અન્ડર-સી ટનલ કામગીરી જેવા મર્યાદિત કામ માટે જ રહેશે તેમ તેમણે કહ્યું હતું. તેમણે કહ્યું કે ૫૦૦ કિલોમીટરના આ પ્રોજેક્ટ પૈકી ભારતીય કોન્ટ્રાક્ટરો કુલ ૪૬૦ કિલોમીટરનું નિર્માણ કરશે, જ્યારે જાપાન માત્ર સમુદ્ર નીચેના ૨૧ કિલોમીટરનું નિર્માણ કરશે. ઉલ્લેખનીય છે કે બુલેટ ટ્રેન માટે જાપાને ભારતને લાંબા ગાળાની લોન મંજૂર કરી છે.